સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ઘૂમ્મ્સ છવાયું
- ઉત્તર-પશ્વિમના ભેજવાળા પવનો ફુંકાયા
- દિવસ દરમિયાન ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાયો
- બે દિવસ તાપમાનમાં આંશિક ઘટાડાની શક્યતા
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રીએ પહોંચ્યા બાદ વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે. રાજકોટ સહિત અનેક સ્થળોએ આજે સવારે ગાઢ ધૂમ્મસ છવાયું હતું, જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોએ મુશ્કેલી અનુભવી હતી. ભર ઉનાળામાં ધૂમ્મસ છવાતા સવારે આહલાદક વાતાવરણ છવાઈ ગયું હતું. આજે સવારે ફરી પવનની દિશા બદલાઈ હતી અને ભેજવાળા-દરીયાઈ પવનો ફુંકાયા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે વાતાવરણમાં આંશિક પલટો આવતા ગરમીમાં થોડી રાહત મળી છે. ગત રાત્રીનાં પવનની દિશા બદલાઈને ઉત્તર પશ્ચિમમાં ભેજવાળા દરિયાઈ પવનો ફુંકાતા આજે વહેલી સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ ધૂમ્મસછવાયું હતું. ભર ઉનાળામાં ધૂમ્મસ છવાતા સવારે આહલાદક વાતાવરણ છવાઈ ગયું હતું.અને લોકોએ નવાઈ અનુભવી હતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણના પલટાથી આજે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.અને માત્ર ચાર સ્થળોએ જ 40 થી 41 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું હતું. અને આજે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડી હતી. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે તેમજ દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. ગુજરાત રીજન માટે મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સુધી રહેશે. આજથી લઈને 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી જેટલું રહેશે. જ્યારે અમદાવાદ સહિત શહેરોમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં મોટા ભાગનાં શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે.