કચ્છમાં વહેલી પરોઢે ઠંડીના ગુલાબી ચમકારા સાથે ગાઢ ધૂમ્મસ છવાયું
- લખપત તાલુકામાં પરોઢે ઝાકળ વર્ષાથી રોડ-રસ્તા ભીંજાયા,
- હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા,
- ધૂમ્મસને કારણે પવન ચકીઓ ઓઝલ બની
ભૂજઃ કચ્છમાં ધીમા પગલે ગુલાબી ઠંડીનું આગમન થઈ રહ્યું છે. મોડી રાત્રે અને વહેલી સવારે છેલ્લા બે-ચાર દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દરમિયાન આજે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસ છવાયું હતુ. અને લખપત તાલુકાના કેટલાક વિસ્તારોમાં ઝાકળ વર્ષા થતાં રોડ રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. ગાઢ ધૂમ્મસને કારણે હાઈવે પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી. તેના લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
કચ્છના લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસોના અંતરાલ બાદ આજે ફરી ઝાકળ વર્ષા થઈ હતી. વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાયો હતો. માહોલમાં જાણે ઝરમર વરસાદ વરસતો હોય તેમ મોડે સુધી ધુમ્મસનું ગાઢ આવરણ છવાયેલું રહેત માર્ગો ઉપર ભીનાસ પથરાઈ ગઈ હતી. ડુંગરાળ વિસ્તારમાં કતાર બંધ ફરતી પવનચક્કીઓ ધુમ્મસમાં ઓઝલ બની હતી અને વાતવારણ આહલાદક બની ગયું હતું.
જિલ્લાના હાઈવે પર ગાઢ ધુમસને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને વાહન ચાલકોએ પોતાના વાહનોની ગતિ નિયંત્રિત રાખવાની સાથે વાહનોની હેડલાઈટ પણ ચાલુ રાખવાની ફરજ પડી હતી. વાહનના કાચ સાફ કરવા માટે વારંવાર વાઇપર પણ ચાલુ કરતા જોવા મળ્યા હતા. તાલુકાના દયાપર, દોલતપર, માતાનામઢ, ઘડુલી, ધારેશી, વર્માનગર, સુભાષપર, પાનધ્રો સહિતના ગ્રામ્ય વિસ્તારો ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાયો હતો, વહેલી સવારથી ઝાકળવર્ષાને કારણે વાહન વ્યવહારને પણ અસર પડી હતી ચાલકોને પોતાના વાહનો ધીમી ગતીએ ચલાવવાની ફરજ પડી હતી, યાત્રાધામ માતાનામઢ નજીક આવેલા લીગ્નાઇટ ખાણમાં ગાઢ ધુમ્મસનું આવરણ સર્જાયું હતું.