ધોરણ 1થી 12ના વર્ગો ચાલે છે એવી શાળાઓને પ્રિ-પ્રાયમરી વર્ગોની મંજુરી આપવા માગ
- રાજ્યના શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી
- તમામ શાળાઓમાં મેદાન, ફાયર એનઓસી, સહિતની સુવિધા છે
- બાળકોને બાલમંદિરથી 12 ધોરણ સુધી એક જ સ્થળે શિક્ષણ મળી રહે એવો ઉદેશ્ય
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પ્રિ પ્રાઇમરી સ્કૂલના રજીસ્ટ્રેશનને લઈ વિવાદ ચાલી રહ્યો છે. પ્રિ પ્રાયમરી સ્કૂલોમાં ફાયર સેફ્ટી તેમજ ભાડાના મકાન હોય તો ભાડા કરાર બાબતે પણ નિયમો બનાવવામાં આવ્યો છે. આમ નિયમો કડક બનાવાતા પ્રિ-પ્રાયમરી સ્કૂલોના સંચાલકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે શાળા સંચાલકોએ એવી માગણી કરી છે કે, જે શાળાઓમાં 1થી 12 ધોરણના વર્ગો ચાલતા હોય એવી સ્કૂલોને પ્રિ-પ્રાયમરીના વર્ગો ચલાવવાની મંજુરી આપવી જોઈએ.
રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે કે, જે સ્કૂલો ધોરણ 1થી 12નો વર્ગ ચલાવે છે તેમને પ્રિ-પ્રાઇમરી માટે મંજૂરી આપવી જોઈએ. આ સ્કૂલો પાસે મેદાન, વર્ગો, ફાયર એનઓસી, ભાડા કરાર સહિતની તમામ વ્યવસ્થા છે. જેથી આ સ્કૂલોને પ્રિ પ્રાઇમરી માટે મંજૂરી આપવી જોઈએ. પ્રિ- પ્રાઇમરી સ્કૂલ ચલાવવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બનાવવામાં આવી છે. ગાઈડલાઈન મુજબ નિયમોનું પાલન થાય તે સ્કૂલોની જ નોંધણી કરાવવામાં આવે છે. ત્યારે અત્યાર સુધી માત્ર 400થી 500 સ્કૂલોએ જ નોંધણી કરાવી છે, પરંતુ નોંધણીમાં નિયમોને લઈને સંચાલકો અસહમત હોવાથી પ્રિ-પ્રાઇમરી સ્કૂલોના સંચાલકો દ્વારા હજુ સુધી નોંધણી કરાવી નથી.
રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજ્યમાં બે અલગ અલગ પ્રકારની પ્રિ-પ્રાઇમરી સ્કૂલો ચાલે છે. જેમાંથી એક ફક્ત પ્રિ-પ્રાઇમરી સ્કૂલ જ છે જ્યારે એક પ્રિ-પ્રાઇમરીથી ધોરણ 12 સુધીની સ્કૂલો ચાલી રહી છે. જે સ્કૂલો ધોરણ 1થી 12ના વર્ગ ચલાવે છે તેમને પ્રિ-પ્રાઇમરી સ્કૂલ ચલાવવાની મંજૂરી આપવામાં આવે કારણ કે 1થી 12ના વર્ગ ચલાવતી સ્કૂલો પાસે ફાયર એનઓસી, બીયુ પરમિશન, વર્ગો, મેદાન સહિતની તમામ વ્યવસ્થા છે.
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હજુ સુધી ગણતરીની જ પ્રિ-પ્રાઇમરી સ્કૂલનું રજીસ્ટ્રેશન થયું છે. ત્યારે સરકાર દ્વારા 1થી 12ના વર્ગ ચલાવતી સ્કૂલોને પ્રિ-પ્રાઇમરી માટે મંજૂરી આપવામાં આવે. 1થી 12 ની સ્કૂલો પાસે તમામ વ્યવસ્થા છે જેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે મંજૂરી આપવી જોઈએ.