અડાજલ નજીક મહેસાણા હાઈવે પરના દબાણો દૂર કરાયા
- હાઈવેની બન્ને બાજુએ દબાણો હટાવીને 14000 ચો. મીટર જમીન ખૂલ્લી કરાઈ,
- કલેકટરના આદેશ બાદ દબાણ હટાવની કામગીરી કરાઈ,
- હાઈવે નજીક સરકારી જમીનો પર પાકા મકાનો પણ બાંધી દેવામાં આવ્યા હતા
ગાંધીનગરઃ અડાલજમાં મહેસાણા હાઈવે પર બન્ને સાઈડ પર ગેરકાયદે દબાણો ખડકાયેલા હતા. તેના કારણે હાઈવે પર અકસ્માતોનો ભય રહેતો હતો. દબાણો હટાવવા માટે ઘણા સમયથી માગ ઊઠી હતી. પણ કોઈ પગલાં લેવાતા નહતા, આખરે જિલ્લા કલેકટરના આદેશ બાદ દબાણો હટાવાયા છે. કાચા-પાકા મકાનો તોડીને 14000 ચોરસ મીટર સરકારી જમીન ખૂલ્લી કરવામાં આવી છે. હવે આ જગ્યાઓ પર ફરીવાર દબાણો ન થાય તેની તકેદારી રાખવામાં આવે એવી પણ માગ ઊઠી છે.
અડાલજથી મહેસાણા જતા હાઇવેની આસપાસ વધી રહેતા કાચા અને પાકા દબાણોને કારણે વાહનોના આડેધડ પાર્કિંગને પગલે હાઇવે ઉપરથી પસાર થતાં નાના મોટા વાહન ચાલકોને મુશ્કેલી પડતી હતી. આથી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અમદાવાદથી મહેસાણા હાઇવે ઉપર અડાલજની આસપાસના વિસ્તારોમાં દબાણો દુર કરીને અંદાજે 14000 ચો.મી.ની જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બિનઅધિકૃત કાચા અને પાકા દબાણો દુર કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી તેમજ ગૌચર જમીન ઉપર થયેલા કાચા અને પાકા દબાણો દુર કરવા માટે કોર્ટ દ્વારા આદેશ કરાયો હતો. અમદાવાદથી મહેસાણા હાઇવેની ઉપર અડાલજ ગામની આસપાસના વિસ્તારોમાં કાચા અને પાકા દબાણો ખડકાયેલા હતા. જેને પરિણામે હાઇવે ઉપરથી પસાર થતાં નાના મોટા વાહન ચાલકોને પારાવારની હાલાકી વેઠવી પડતી હતી. ત્યારે નાના મોટા અકસ્માતોના બનાવો પણ બનતા હતા. આથી આવી સ્થિતિને રોકવા માટે હાઇવેની આસપાસના વિસ્તારોમાં ઉભા થયેલા કાચા અને પાકા દબાણોને દુર કરવાની કાર્યવાહી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. તેમાં એસ જી. હાઇવેથી અમદાવાદથી મહેસાણા જતા હાઇવેને કનેક્ટ થતાં રોડની સાઇડમાં ઉભા થયેલા દબાણો દુર કરવામાં આવ્યા હતા. અંદાજે 14000 ચોરસ મીટર ઉપર ખડકાયેલા કાચા પાકા દબાણોને દુર કરવામાં આવ્યા હતા. બિનઅધિકૃત સ્થાયી તથા અસ્થાયી રીતે ઉભા થયેલા કાચા તથા પાકા વાણિજ્ય દબાણો જેવા કે હોટલો, લારી, ગલ્લાને દુર કરવામાં આવ્યા હતા. દબાણો દુર કરવામાં આવતા હાઇવે આસપાસના વિસ્તારને ખુલ્લો કરવામાં આવતા હાઇવે ઉપરથી પસાર થતાં નાના મોટા વાહનોના ચાલકો દ્વારા ટ્રાફિક અડચણમાંથી છુટકારો મળ્યો હતો.