સુરતમાં ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકનું મોત, સ્થાનિકોમાં રોષ
અમદાવાદઃ સુરતના કતારગામમાં ખુલ્લી ગટરમાં ગરકાવ થયેલા બાળકનું મૃત્યુ થયું છે. 24 કલાક બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકની શોધખોળ માટે NDRFની મદદ લેવામાં આવી હતી. સવારે સ્થાનિકોએ ભેગા મળીને રોડ ચક્કાજામ કરતા પોલીસ પણ પહોંચી હતી અને 24 કલાક વિતી ગયા બાદ ગટરમાંથી બાળકનો મૃતદેહ મળ્યો છે. આ બનાવને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
વરિયાવમાં 2 વર્ષનું બાળક ગટરમાં ગરકાવ થઈ ગયું હતું, માતા બાળકને લઈને બુધવારી બજારમાં ગઈ હતી અને તે દરમિયાન અચાનક બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું. જો કે સુરત કોર્પોરેશનની બેદરકારીના કારણે વધુ એક માસૂમ બાળકનો જીવ ગયો છે, ગઈકાલે સાંજે કતારગામમાં બાળક ખુલ્લી ગટરમાં ખાબકયુ હતુ, તંત્રની બેદરકારની કારણે આ ગટર ખુલ્લી હોવાની વાત સામે આવી છે, જેમાં કલાકો બાદ પણ બાળક ન મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે. પરિવારજનોએ સ્થાનિક તંત્ર સામે રોષ ઠાલવ્યો અને કતારગામના વરિયાવ વિસ્તારમાં આ ઘટના બની છે, આ બાળકની ઉંમર 2 વર્ષ છે.
જોકે બાળકનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. છેલ્લા 24 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી અને આખરે 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.