પાકિસ્તાનમાં મંત્રીઓ સહિત હજારો લોકોનો ડેટા લીક, સંવેદનશીલ માહિતી ઑનલાઇન વેચાણ
પાકિસ્તાનમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત હજારો લોકોનો સંવેદનશીલ ડેટા લીક થયો છે. આ લીક થયેલો ડેટા હવે ઑનલાઇન વેચાણ માટે પણ ઉપલબ્ધ છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, જે ડેટા વેચાણ માટે ઉપલબ્ધ છે તેમાં મોબાઇલ સિમ, કોલ લોગ, રાષ્ટ્રીય ઓળખપત્ર, વિદેશ પ્રવાસની માહિતી જેવી બાબતો સામેલ છે. જેઓનો ડેટા લીક થયો છે તેમાં અનેક કેન્દ્રીય મંત્રી અને રાજકીય પાર્ટીઓના પ્રવક્તાઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં આ પહેલીવાર નથી બન્યું, અગાઉ પણ આવી ઘટનાઓ થઈ ચૂકી છે. છતાં પણ સરકાર તરફથી કોઈ સખ્ત પગલા લેવામાં આવ્યા નથી. અહીં સુધી કે, જેઓ વેબસાઈટ પરથી ડેટા લીક થવાની ફરિયાદ થઈ છે, તેમની સામે પણ કાર્યવાહી થઈ નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોબાઇલ લોકેશનનો ડેટા ફક્ત 500 રૂપિયામાં ઑનલાઇન વેચાઈ રહ્યો છે. મોબાઇલ રેકોર્ડનો ડેટા 2000 રૂપિયા અને વિદેશ પ્રવાસની માહિતી 5000 રૂપિયામાં મળી રહી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે જેમનો ડેટા લીક થયો છે, તેમનો દુરૂપયોગ થઈ શકે છે. આ ઘટનાને લઈને પાકિસ્તાનની સામાન્ય જનતા ભારે નારાજ છે. લોકો માંગ કરી રહ્યા છે કે આ ડેટા લીક માટે જવાબદારી નક્કી કરવામાં આવે અને તેની પાછળ કોણ છે તે બહાર લાવવામાં આવે. આ મામલે પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નકવીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ માટે 14 સભ્યોની સમિતિ રચવામાં આવી છે અને આ સમિતિ બે અઠવાડિયામાં સરકારને અહેવાલ આપશે.
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા અને આઈટીના યુગમાં ડેટા લીક એક મોટી સમસ્યા બની ગયો છે. થોડા સમય પહેલા સાયબર સુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં 16 અબજથી વધુ લોકોનો સંવેદનશીલ ડેટા લીક થયો હતો, જેને ઈન્ટરનેટના ઈતિહાસમાં સૌથી મોટો ડેટા ચોરીનો કિસ્સો ગણાવવામાં આવે છે.