અંબાજીના ગબ્બર પર મધપુડા દૂર કરવા કાલથી ત્રણ દિવસ દર્શન અને રોપ-વે બંધ રહેશે
- ઉનાળામાં મધમાખીઓ ઉડતી હોઇ દર્શનાર્થીઓની સુરક્ષા જોખમાય છે
- ગબ્બરમાં મોટી સંખ્યામાં મધપુડા છે
- ગરમીને લીધે મધમાખીઓ ઉડતી હોવાથી યાત્રિકો પરેશાન થાય છે
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર મધમાંખીના પુડા અસંખ્ય હોવાથી અને ઉનાળાની ગરમીમાં મધમાખીઓ ઉડતી હોવાથી યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે. તેથી મઘપુડાને દુર કરવા માટે આવતી કાલ તા. 15 થી 17 એપ્રિલ દરમિયાન ગબ્બર ઉપર દર્શન, 51 શક્તિપીઠ પરિક્રમા દર્શન અને રોપ વેની સેવા બંધ રહેશે. અંબાજીમાં ગબ્બર પર મધપુડાની માખીઓથી યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે. જેથી ગબ્બર પરથી મધપુડા ઉડાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોઇ ત્રણ દિવસ દર્શન અને રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મૂળ શક્તિપીઠ ગબ્બર ખાતે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારે છે. રોપ-વે મારફતે પણ યાત્રાળુઓ ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા જાય છે. જ્યાં દર્શનપથ, 1 શક્તિપીઠ પરિક્રમા તેમજ ગબ્બરની અન્ય જગ્યાઓએ મોટી માત્રામાં મધપૂડા થયેલા છે. હાલની ઉનાળાની ઋતુમાં મધમાખીઓ વારંવાર ઉડવાના કારણે યાત્રિકોની સલામતી જોખમાય છે. તેમની સલામતી અને સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા આવશ્યક જણાતા હોય ગબ્બર ખાતે મધમાખી (મધપુડા) દૂર કરવાની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત આગામી તા.15 થી 17 એપ્રિલ 2025 દરમિયાન મધપૂડા (મધમાખી) ઉડાડવા અને નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરાશે. જેથી ગબ્બર ટોચ ખાતે દર્શન, 51 શક્તિપીઠ પરિક્રમા દર્શન તથા રોપ-વેની સુવિધા આ સમયગાળા માટે યાત્રિકોના પ્રવેશ માટે બંધ રહેશે. તા.18/04/2025 થી ગબ્બર ખાતે રાબેતા મુજબ દર્શન અને રોપ- વેની સુવિધા શરૂ કરવામાં આવશે.