રાજકોટ મ્યુનિ.કોર્પોરેશને 42 ફાયર ઓફિસરોની ભરતી એકાએક રદ કરી
- ભરતી પ્રક્રિયા અચાનક રદ કરતા ઉમેદવારોએ કર્યો વિરોધ
- કોર્ટ મેટરને લીધે ભરતી રદ કરવામાં આવી હોવાનો તંત્રનો દાવો
- મ્યુનિ. દ્વારા તમામ ઉમેદવારોને રિફંડ આપવાનો નિર્ણય લેવાયો
રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં ડિવિઝનલ ઓફિસર તથા સ્ટેશન ઓફિસર તથા સબ ફાયર ઓફિસર સહિતની 42 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજી મગાવી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે કોઈ કારણસર અચાનક તમામ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હોવાની જાહેરાત કરાતા ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો છે. આ મુદ્દે આરએમસીના સત્તાધિશો દ્વારા કોર્ટ મેટરને લીધે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અને ઉમેદવારોને રિફંડ પરત આપવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસ શાખાની 42 જગ્યા ભરવા માટે તારીખ 18/1/2025ના રોજ જાહેરાત કરી હતી. અને ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી હતી. જેમાં ડિવિઝનલ ઓફિસરની 4, સ્ટેશન ઓફિસરની 3 અને સબ ફાયર ઓફિસર 35 સહિત કુલ 42 જગ્યા માટે અનેક અરજીઓ મળી હતી. ફોર્મ સહિતની વિગતો સાથે ઉમેદવારોએ ફી ભરી હતી અને પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુ આપ્યો હતો. અને ઉમેદવારો ઓર્ડરની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મ્યુનિના સત્તાધિશોએ કોઈ કારણસર ભરતી રદ કરી દેવામાં આવી છે. અને તંત્ર દ્વારા હવે રિફંડ પરત આપવા માટેની પરત કામગીરી શરૂ કરી નવી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડ વિભાગમાં વિવિધ જગ્યાઓ પર ભરતી પ્રકિયા એટલા માટે રદ કરી છે કે, ભરતી સમયે અલગ અલગ પોસ્ટ માટે જે નિયમો હતા તેમાં સરકાર દ્વારા સુધારો કરી નવા નિયમનો ઉમેરો કરવામાં આવ્યો છે, તેવી જ રીતે અમુક ઉમેદવારો દ્વારા લાયકાતમાં છૂટછાટ આપવામાં આવે તે પ્રકારની રિટ કરી કોર્ટમાંથી સ્ટે લેવામાં આવ્યો છે. આથી કોર્ટ મેટર થતા તમામ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સરકારે સૂચવેલા નવા નિયમો મુજબ નવી ભરતી માટેની તારીખ જાહેર કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ઉમેદવારોએ રિફંડ મેળવવા માટે આરએમસીની વેબસાઈટ પર પોતાની વિગતો ભરી તારીખ 29/12/2025 સુધીમાં સબમિટ કરવાની રહેશે ત્યારબાદ રિફંડની કાર્યવાહી કરાશે નિયત સમયમર્યાદા બાદ રિફંડ અંગેની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.