ગુજરાતમાં વન વિભાગના રોજમદાર કર્મચારીઓ 4 મહિનાથી પગારથી વંચિત
- ચાર મહિનાથી પગાર ન ચુકવાતા કર્મચારીઓની હાલત કફોડી
- વન વિભાગના રોજમદારોને લઘુતમ વેતન મુજબ પુરો પગાર પણ અપાતો નથી
- બાકી વેતન નહીં ચૂકવાય તો રોજમદારો આંદોલન કરશે
અમદાવાદઃ રાજ્યના વન વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા ચાર મહિનાથી પગાર ન ચુકવાતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. કર્મચારીઓ દર મહિને પગારની રાહ જોઈ રહ્યા છે. પણ ઉપરથી ગ્રાન્ટ આવી નથી એવું કહેવામાં આવી રહ્યું છે. રોજમદાર કર્મચારીઓ પોતાની જાનના જોખમે જંગલ વધારવાની કામગીરી, જંગલના રક્ષણની કામગીરી અને પર્યાવરણની જાળવણીની કામગીરી કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે પગાર ચુકવવામાં આવે તેવી માગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓના હક્કનો પગાર કરવામાં પણ સરકારને ફાંફા પડી રહ્યા છે. વન વિભાગના કર્મચારીઓનો છેલ્લા ચાર મહિનાથી પગાર કરવામાં આવ્યો નથી. જેથી ગુજરાત ફોરેસ્ટ પ્રોડ્યુસ ગેધરર્સ એન્ડ વર્કસ યુનિયન દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. યુનિયનના મહામંત્રી શેનસિંહ ડામોરએ કહ્યું હતું કે, વન વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી રોજમદાર કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. રોજમદાર કર્મચારીઓ પોતાની જાનના જોખમે જંગલ વધારવાની કામગીરી, જંગલના રક્ષણની કામગીરી અને પર્યાવરણની જાળવણીની કામગીરી કરી રહ્યા છે. ત્યારે મહેસાણા અને બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓનો છેલ્લા ચાર મહિનાથી પગાર કરવામાં આવ્યો નથી.
રાજ્યના વન વિભાગમાં ખાસ કરીને આદીવાસી, દલીત અને બક્ષીપંચ સમાજના લોકો રોજમદાર તરીકે નોકરી કરતા હોય છે. ત્યારે છેલ્લા ચાર મહિનાથી પગાર નહિ થવાથી રોજમદાર કર્મચારીઓના પરિવારોની હાલત દયનીય બની ગઇ છે. કર્મચારીઓ પોતાના ઘરનો ચૂલો સળગાવવા માટે વ્યાજે રૂપિયા લાવીને ઘરનુ ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વન રોજમદારોના ઠરાવનો લાભ આપી કાયમી કર્યા છે. તેવા રોજમદારોને લઘુતમ વેતન મુજબ પુરો પગાર આપવામાં સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટના હુકમના આધારે ઠરાવ કર્યો છે. તે ઠરાવના લાભો 240 દિવસવાળા રોજમદારોને આપવામાં આવતા નથી અને લઘુતમ વેતનનો ભંગ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગના અધિકારીઓ કાયદાને ઘોળીને પી રહ્યા છે, જેથી જો કર્મચારીઓની સમસ્યાનુ સમાધાન કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.