હિમાચલમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો
શિમલાઃ હિમાચલ પ્રદેશમાં આવેલા ભયંકર વાવાઝોડાએ ભારે વિનાશ અને વ્યાપક વિક્ષેપ સર્જ્યો છે. રાજ્યમાં 50 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. તેમજ વીજળી પડવા અને વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ભારે નુકસાન થયું હતું. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું, ખાસ કરીને ચંબા, ડેલહાઉસી, મંડી, કુલ્લુ, હમીરપુર, બિલાસપુર, સોલન અને શિમલામાં જનજીવન ખોરવાયું છે.
મોડી રાત્રે આવેલા વાવાઝોડાએ વૃક્ષો ઉખડી નાખ્યા અને વીજળીના તારોને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે સેંકડો ગામડાઓ અને ઘરોમાં અંધારપટ છવાઈ ગયો. વાવાઝોડા પછી કાંગરા, બરસર, સુજાનપુર, ઉના અને ચંબા જેવા જિલ્લાઓ અને શિમલા શહેરનો અડધો ભાગ વીજળી વગરનો છે. મેદાની વિસ્તારોમાં ઘઉંના પાકને અને શિમલા, કુલ્લુ અને ચંબા જેવા પહાડી વિસ્તારોમાં સફરજનના પાકને ભારે નુકસાન થયું છે. કરા અને ભારે પવનને કારણે કેરી, જરદાળુ, પીચ, કોબીજ અને વટાણાના પાકને પણ નુકસાન થયું છે.
કેટલાક સ્થળોએ 85 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે પ્લાસ્ટિકની પાણીની ટાંકીઓ, છત અને વૃક્ષો ધરાશાયી થયા હતા અને રાજ્યની પરિવહન અને સંદેશાવ્યવહાર પ્રણાલીને ગંભીર અસર થઈ હતી. શિમલામાં વીજ પુરવઠામાં વિક્ષેપને કારણે, પાણી પુરવઠો નિયમિત 42 MLD થી ઘટાડીને 37.44 MLD કરવામાં આવ્યો હતો. જોકે, SJPNL ના જનસંપર્ક અધિકારી સાહિલ શર્માએ જણાવ્યું હતું કે ધાલી, સંજૌલી અને રિજ ટાંકીઓમાં પૂરતો સંગ્રહ હોવાથી નિયમિત પાણી પુરવઠાને કોઈ અસર થઈ નથી.