દ્વારકાથી 770 કિમી દુર અરબી સમુદ્રમાં સક્રિય થયેલુ શક્તિ વાવાઝોડુ નબળુ પડ્યુ
- શક્તિ વાવાઝોડુ શાંત પડતા હવામાન વિભાગે રાહતનો શ્વાસ લીધો,
- ગુજરાતના 5 જિલ્લામાં 7 દિવસ હળવા ઝાપટા પડી શકે છે,
- શક્તિ વાવાઝોડાની અસરથી અમદાવાદમાં મોડી રાતે વરસાદ પડ્યો,
અમદાવાદઃ અરબી સમુદ્રમાં દ્વારકાથી 770 કિમી દુર સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું નબળું પડતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. વાવાઝોડાની અસરથી ભેજવાળા પવનો અમદાવાદ સુધી આવી પહોંચ્યા છે. જેથી અમદાવાદમાં 4 દિવસ સુધી ઝાપટાંની વકી છે. જ્યારે રાજ્યના 5 જિલ્લાઓને પણ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે.
અરબ સાગરમાં દ્વારકાથી 770 કિમી દૂર સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત 'શક્તિ' અંગે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે, વાવાઝોડું ધીમું પડ્યુ છે. પણ વાવાઝોડાની અસરથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગત મોડી રાતે હવામાનમાં પલટો આવતાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના પરિણામે માર્ગો પર પાણી વહેતાં થયાં હતાં. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓને એલર્ટ આપ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં યેલો અલર્ટ છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર ઉભું થયેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું "શક્તી" છેલ્લા 6 કલાક દરમિયાન 5 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ દક્ષિણ તરફ આગળ વધ્યું, જે ચક્રવાતી વાવાઝોડામાં નબળું પડી ગયું અને આજે 6 ઓક્ટોબર, 2025 ના રોજ ભારતીય સમય મુજબ 0530 વાગ્યે, 19.6°N અક્ષાંશ અને 60.4°E રેખાંશ પર, મસીરાહ (ઓમાન) થી લગભગ 200 કિમી દક્ષિણપૂર્વમાં, રાસ અલ હદ્દ (ઓમાન) થી 310 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, કરાચી (પાકિસ્તાન) થી 910 કિમી દક્ષિણપશ્ચિમમાં, દ્વારકાથી 770 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને નલિયાથી 700 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત થયું. તે પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ આગળ વધવાની અને 7 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં નબળું પડવાની શક્યતા છે. આજે બપોર સુધીમાં શક્તિ વાવાઝોડા નું જોર ઘટી ગયું છે. એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લો, જામનગર જિલ્લો, અને કચ્છ જિલ્લા પર આ શક્તિ વાવાઝોડું સીધું ટકરાય તેવી સંભાવના ઓછી છે. તંત્ર દ્વારા હાલ શક્તિ વાવાઝોડાને ધ્યાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. પરિણામે ઓખા, સલાયા અને રૂપેણ બંદર પર બોટો લાંગરી દેવામાં આવી છે. વિવિધ બંદરો પર GMB દ્વારા મોસમ વિભાગની આગાહી અનુસાર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દીધા છે દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ દુર કરવામાં આવ્યા છે.