પાલનપુર-અમદાવાદ હાઈવે પર કાર -બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત
- પોલીસના બોર્ડવાળી ખાનગીકારે બાઈકને જોરદાર ટક્કર મારી
- કારચાલક ઘટના સ્થળેથી નાસી ગયો
- પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર વડગામના ભરકાવાડા પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. પોલીસ બોર્ડવાળી કારે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. બાઈકચાલક મૃતક વડગામ તાલુકાના ઢેલાણા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર વડગામના ભરકાવાડા પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈકચાલકનું મોત નિપજ્યુ હતું.અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, કાર ચાલક પોલીસ કર્મચારી અથવા તેમના સંબંધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છાપી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને કાર ચાલકની ઓળખ તેમજ ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ બોર્ડવાળી કારમાંથી દારૂ મળવાની ઘટનાએ વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. પોલીસે આ સમગ્ર મામલે ઝડપી તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.