અમદાવાદ રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં ક્રૂઝ સેવા બંધ થવાના એંધાણ
- નદીમાં પાણી ઘટતા ક્રૂઝ સેવાને પડતી મુશ્કેલી,
- ક્રૂઝસેવા બંધ રહેતી હોવાથી ઓપરેટરને પણ કરોડોનું નુકસાન,
- રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેધારી નીતિને કારણે પ્રોજેકટને સફળતા મળતી નથી
અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી હતી. શહેરીજનો ભોજન કે નાસ્તા સાથે ક્રૂઝ સેવાની મોજ માણી શકે તે માટે આગવી સુવિધા ઊભી કરવામાં આવી હતી. પણ નદીમાં પાણીનું લેવલ સમયાંતરે ઘટતું હોવાથી, તેમજ કેટલાક ટેકનિકલ કારણોને લીધે ક્રૂઝ સેવા અનિયમિત રહેતી હોવાથી તેને જોઈએ તેટલી સફળતા મળી નથી. તેથી સી-પ્લેન, જોઈ રાઈડની જેમ ક્રૂઝ સેવા પણ બંધ પડે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.
અમદાવાદમાં વર્ષ 2023માં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDCL)એ સાબરમતી રિવરફ્રન્ટ પર સૌપ્રથમવાર રિવર ક્રૂઝ સેવા શરૂ કરી હતી. શરૂઆતમાં ક્રૂઝસેવાને સફળતા મળી હતી. પણ નદીમાં પાણીનું લેવલ ઘટતા ક્રૂઝ સેવા બંધ કરવાની નોબત આવી હતી. ત્યારે ટેકનિકલ સહિત અનેક કારણોને લીધે ક્રૂઝ સેવા અનિયમિત બનતા શહેરીજનોને ખબર હોતી નથી કે ક્રૂઝ સેવા ચાલુ છે કે બંધ, આથી ક્રૂઝ સેવાને જોઈએ તેટલી સફળતા ન મળતા ક્રૂઝ ઓપરેટરને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. ક્રૂઝ સેવાના ઓપરેટરને સાબરમતી નદીમાં પાણી ન હોવાના કારણે ટેક્નિકલ કારણોસર કર્ઝ સેવા બંધ હોવાથી આશરે 3થી 3.5 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવુ પડ્યુ હોવાનું કહેવાય છે. આમ મોટા ઉપાડે શરૂ કરેલી રિવર ક્રૂઝ સેવા પણ હવે સી પ્લેનની જેમ બંધ કરવી પડે એવી સ્થિતિમાં છે.
શહેરમાં રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં શરૂ કરાયેલી ક્રૂઝ સેવા ત્રણથી ચાર મહિના બંધ રહેતી હોય છે ત્યારે એનું ભાડું માફ કરવામાં આવે અને રિવર ક્રૂઝ ચલાવવા માટે થઈને એનું સારી રીતે પ્રમોશન પણ કરવામાં આવે તેવી ક્રૂઝ સેવાના ઓપરેટરે માગ કરી છે. કારણ કે દેશ અને દુનિયામાંથી સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે રિવર ક્રૂઝની મજા માણી શકે. ચોમાસા દરમિયાન રિવર ક્રૂઝ બંધ રહે છે. ચોમાસામાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના જ નદીમાંથી પાણી છોડી દેવાય છે, જેના કારણે ક્રૂઝ બંધ રાખવું પડે છે. રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેધારી નીતિને કારણે અત્યાર સુધી ઓપરેટરને રિવર ક્રૂઝ પાછળ સાડાત્રણ કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.