વડોદરામાં વિશ્વામિત્રી નદી કિનારે ભીમનાથ બ્રિજ પાસે મગરો બાસ્કિંગ માટે આવી પહોંચ્યા
- વિશ્વામિત્રી નદી પર ભીમનાથ બ્રિજ પાસે સૌથી વધુ મગરોને વસવાટ
- વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મગરો કિનારે આવ્યા
- જેસીબીની કામગીરી દરમિયાન મગરો શાંતિથી કિનારે બેસી રહ્યા
વડોદરાઃ શહેરમાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરને તેના ડેવલપનું કામ હાલ ચાલી રહ્યું છે. જેમાં તબક્કાવાર ચાલી રહેલા કામ દરમિયાન મગરોને ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. દરમિયાન નદીના ભીમનાથ બ્રિજ નજીક નદીના કિનારે મોટી સંખ્યામાં મગરો સવારના સમયે બાસ્કિંગ કરવા આવી પહોંચ્યા હતા. જાણે મગરો કામગીરીનુ નિરીક્ષણ કરી રહ્યા હોય તેવા દૃશ્યો કામગીરી કરી રહેલા માણસોએ મોબાઇલ ફોનમાં કેદ કરી લીધા હતા.
વડોદરા શહેરમા મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે વિનાશક પૂર આવ્યું હતું. પૂરને નિયંત્રણમાં લાવવા માટે મ્યુનિ. દ્વારા 100 દિવસના ટાર્ગેટ સાથે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે વધુ મગરના વસવાટવાળા ભીમનાથ બ્રિજ નજીક ચાલતી કામગીરી દરમિયાન મગરો પાણીમાંથી કિનારા ઉપર આવીને બેસી ગયા હતા.
વડોદરા શહેરમાંથી સર્પાકારે વહેતી વિશ્વામિત્રી નદીમાં અંદાજે 240 જેટલા મગરોનો વસવાટ કરે છે. જેમાં સૌથી વધુ કલલી અને ભીમનાથ બ્રિજ નીચે વધુ હોવાનું વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા નોંધવામાં આવ્યું છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નદીમાં રહેતા મગરોને અને તેમની ગુફાઓને નુકસાન ન થાય તે રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિ દ્વારા દ્વારા વિશ્વામિત્રી નદીને ચાર ઝોનમાં ભાગ પાડીને સાફ-સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મ્યુનિ. દ્વારા ભીમનાથ બ્રિજ નીચે શરૂ કરવામાં આવેલી કામગીરી દરમિયાન મગરો નદી કિનારે આવી પહોંચ્યા હતા. એક તરફ નાના મોટા મગરો શાંતિથી બેસી રહ્યા હતા અને બીજી બાજુ જેસીબીના ચાલકો દ્વારા ડર વિના કામગીરી કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિશ્વામિત્રી નદીમાં રહેલા મગર સહિતના જળચર જીવોને કોઈ નુકસાન ન થાય તે માટે જીવદયા પ્રેમીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા વોલિયન્ટર રાખવામાં આવ્યા છે. આ ટીમોની નિગરાની હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમિયાન મગરનું ટોળું સનબાથ માટે આવી જતાં બ્રિજ પરથી પસાર થતા લોકો પણ મગરોના ટોળાને જોવા ઉભા થઇ ગયા હતા.