અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલકાંડમાં વધુ 5 આરોપીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ
- ચિરાગ રાજપુર ખેડાથી અને રાહુલ જૈન- મિલિંદ પટેલ ઉદેપુરથી પકડાયા,
- પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટની પણ ધરપકડ,
- આ કેસના હજુ ત્રણ આરોપીઓ ફરાર
અમદાવાદઃ શહેરમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ પ્રકાશમાં આવ્યા બાદ ગુનો નોંધાયા બાદ ડોકટર પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરાતા બાકીનાઆરોપીઓ ફરાર થઈ ગયા હતા. ખ્યાતિ હોસ્પિટલમાંનિર્દોષ દર્દીઓની ખોટી રીતે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાના અને બે વ્યકિતના મોત નીપજવાના ચકચારભર્યા કેસમાં શહેરના ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં જેમની સામે ગુનો નોંધાયો હતો એવા આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાંચ સતત પ્રયત્નો કરી રહી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટની ધરપકડ કરી છે.
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ફરાર આરોપીઓને શોધવા ક્રાર્ઈમ બ્રાન્ચ સઘન પ્રયાસો કરી રહી હતી. ફરાર આરોપીઓ પોતાના મોબાઇલ ફોન બંધ કરી દીધા હતા અને નવા મોબાઇલ વડે સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીઓ સંપર્કમાં રહેતા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે બે આરોપીઓની ઉદયપુર અને એક આરોપીની ખેડાથી ધરપકડ કરી છે. આ કેસના આરોપી રાહુલ જૈન અને મિલિંદને ઉદયપુરથી દબોચી લેવામાં આવ્યા છે, જ્યારે ચિરાગ રાજપૂત નામના આરોપીને ખેડાથી પકડી પાડવામાં આવ્યો છે. ચિરાગ રાજપૂત હોસ્પિટલના સીઇઓ છે. આ ઉપરાંત પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટની ધરપકડ કરી છે. આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હજી પણ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા ફરાર હોય તેઓની શોધખોળ ચાલી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતના મોબાઈલનું છેલ્લું લોકેશન પોલીસે મેળવતા તે રાજસ્થાનમાં બતાવતું હતું. પરંતુ, ચિરાગ રાજપૂત અમદાવાદથી 60 કિમીના અંતરે ખેડા પાસે આવેલા એક ફાર્મહાઉસમાંથી ઝડપાયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગેરમાર્ગે દોરાય તે માટે આરોપીઓએ પ્રયાસો કર્યા હતા પરંતુ, તેમાં તે નિષ્ફળ રહ્યા હતા. ત્રણેય આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોણે મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.સઆ મામલામાં હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને ડો. સંજય પટોળિયા હજી પણ ફરાર હોઇ તેઓની શોધખોળ યથાવત્ રાખવામાં રાખવામાં આવી છે.