ધોરડો ખાતે દેશની સૌથી પ્રતિષ્ઠિત બાઈક ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025 યોજાઈ
- ત્રિદિવસીય ઇવેન્ટમાં ભારતભરના 2000થી વધુ બાઈક રાઇડર્સે ભાગ લીધો
- 200થી વધુ રાઇડર્સે બાઇક પર ખેડી ધોરડોથી ધોળાવીરાની સફર
- રોડ થ્રુ હેવન પર સર્જાયા અદ્ભુત દ્રશ્યો
ભૂજઃ ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ‘BOBMC રાઇડર મેનિયા 2025’ નું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’થી સન્માનિત ધોરડો ખાતે BOBMC રાઇડર મેનિયાનું 22મું સંસ્કરણ 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 સુધી યોજાયું હતું. ભારતના વિવિધ રાજ્યો જેવા કે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, ઉત્તરપૂર્વના રાજ્યો જેવાકે મિઝોરમ, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ તેમજ નેપાળ અને ભૂટાન જેવા દેશોમાંથી મળીને લગભગ 2000થી વધુ બાઇક રાઇડર્સે આ 3 દિવસીય મોટરસાયકલિંગ ઇવેન્ટમાં હિસ્સો લીધો હતો.
આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રવાસન સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે, “ગુજરાતમાં વિશ્વ સ્તરીય મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેમજ રાજ્યમાં વૈવિધ્યસભર લેન્ડફોર્મ્સ આવેલા છે, જે તેને વિશ્વસ્તરીય બાઇકિંગ ડેસ્ટિનેશન બનાવે છે. હું તમામ બાઇકર્સને કહેવા માંગું છું કે આવો, અને દુનિયાની સૌથી સુંદર સડક અને સૌથી શાંત જગ્યાએ સફર કરો.”
આ મોટરસાયકલિંગ ઇવેન્ટ ગુજરાતના પ્રવાસનને વેગ આપશે અને ખાસ કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપશે. આ પ્રકારની ઇવેન્ટના આયોજનથી લોકોને જાણ થશે કે ગુજરાતમાં ઓફ રોડિંગ, સોલો રાઇડિંગ વગેરે માટે પણ ઘણી ઉજળી તકો છે.
ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત થઈ BOBMC રાઇડર મેનિયા 2025
BOBMC રાઇડર મેનિયા એ ભારતની ખૂબ જ પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ છે, જે છેલ્લા 22 વર્ષોથી આયોજિત થાય છે. બાઇક રાઇડર્સના પ્રતિષ્ઠિત ક્લબ દ્વારા આ ઇવેન્ટ આયોજિત કરવામાં આવે છે. આ વર્ષનું આયોજન બુલેટ બટાલિયન ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ રોયલ એનફિલ્ડ બાઇકપ્રેમીઓનું એક પ્રમુખ ક્લબ છે. ઉલ્લેખનીય છે કે, BOBMC એ બાઇકર કોમ્યુનિટી છે અને રાઇડર મેનિયા તેમની એક ફ્લેગશિપ ઇવેન્ટ છે. ગુજરાતમાં આ ઇવેન્ટ પ્રથમ વખત આયોજિત કરવામાં આવી છે.
મિસ ઇન્ડિયા રનર્સ અપ રેખા પાંડેએ પણ લીધો રાઇડર મેનિયા 2025માં ભાગ
ઉલ્લેખનીય છે કે, ધોરડોમાં યોજાયેલી રાઇડર મેનિયા 2025 ઇવેન્ટમાં મિસ ઇન્ડિયા રનર્સ અપ રેખા પાંડેએ પણ એક બાઇકર તરીકે ભાગ લીધો હતો. તેમણે ધોરડો ખાતે બાઇક રાઇડિંગની મજા માણી અને જણાવ્યું હતું કે સોલો રાઇડિંગ માટે, સોલો વુમન ટ્રાવેલર માટે ગુજરાત બેસ્ટ છે.
રેખા પાંડે ઉપરાંત, અન્ય ઘણી મહિલાઓએ પણ સોલો રાઇડર્સ તરીકે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જેઓ અલગ અલગ રાજ્યોમાંથી ગુજરાત આવી હતી. આ સાથે જ એક-બે દીવ્યાંગ લોકો પણ બાઇક રાઇડ કરીને ધોરડો પહોંચ્યા હતા. તેઓએ ધોરડો ઉપરાંત, ત્યાંના આસપાસના કાળો ડુંગર, કોટેશ્વર વગેરે પ્રવાસન સ્થળો પણ એક્સપ્લોર કર્યા હતા. આ ઇવેન્ટ બાદ તેઓ ગુજરાતના અલગ-અલગ સ્થળોએ પ્રવાસ કરશે. જેમકે, એક ગ્રુપ સૌરાષ્ટ્ર જશે, તો બીજું ગ્રુપ ઉત્તર ગુજરાતના સ્થળોએ જશે, તો કોઈક દક્ષિણ ગુજરાતના સ્થળોને એક્સપ્લોર કરશે. ત્યારબાદ તેઓ પોતાની પરત યાત્રા શરૂ કરશે.