અમદાવાદના નારોલમાં AMCની ટેનિસ કોર્ટ પરિસરમાં ડીજે પાર્ટીથી સર્જાયો વિવાદ
- ડીજે પાર્ટીનો વિડિયો વાયરલ થતાં મ્યુનિ.કમિશનર ચોંકી ગયા
- કોન્ટ્રાક્ટ પર ચાલતા જીમના સંચાલકે પાર્ટી કર્યાનો આક્ષેપ
- AMC કહે છે, વગર મંજુરીએ કાર્યક્રમ યોજાયો હતો
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશને જુદા જુદા વિસ્તારોમાં જીમ, ટેનિસ કોર્ટ, વગેરે બનાવીને કોન્ટ્રાક્ટ પર ચલાવવા માટે આપી દેવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા મ્યુનિ.એ નક્કી કરેલી ફી લેવામાં આવતી હોય છે. તેમજ તમામ નિયમોનું પાલન કરવા પણ કોન્ટ્રકાટરો બંધાયેલા છે. ત્યારે નારોલ વિસ્તારમાં મ્યુનિ.ના મકાનમાં ચાલતા ટેનિસ કોર્ટના પરિસરમાં ડીજે પાર્ટી યોજાતા અને તેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં મ્યુનિ.ના કમિશનર પણ ચોંકી ઊઠ્યા હતા.આ અંગે મ્યુનિ.કમિશનરે તપાસનો આદેશ આપ્યાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક જ પરિસરમાં ટેનિસ કોર્ટ, જીમનેશિયમ અને લાયબ્રેરી બનાવવામાં આવી છે. જેમાં ટેનિસ કોર્ટના પરિસરમાં ડી.જે પાર્ટી યોજવામાં આવી હતી. અને એનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. મ્યુનિ. કોર્પોરેશનની માલિકીની જગ્યામાં રાત્રિના સમયે પાર્ટીનું આયોજન કરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા હતા. કહેવાય છે કે, બિલ્ડિંગમાં કોન્ટ્રાક્ટ પર ચલાવવામાં આવતા જીમનેશિયમના સંચાલક દ્વારા ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. એટલું જ નહીં ડીજે પાર્ટીના બેનરમાં મ્યુનિ. કોર્પોરેશનના લોગોનો પણ ઉપયોગ કરાયો હતો.
આ અંગે એએમસીની દક્ષિણ ઝોન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેનિસ કોર્ટના પરિસરમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવા અંગેના વાઇરલ થયેલા વીડિયો અંગે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જીમનેશિયમના કોન્ટ્રાક્ટર દ્વારા ટેનિસ કોર્ટ પરિસરમાં ડીજે પાર્ટીનું આયોજન વગર મંજૂરીએ કરવામાં આવ્યું હતું. આ જગ્યા ઉપર પાર્ટી કરવા અંગે મંજૂરી ન હોવા છતાં પણ કરાયેલા કાર્યક્રમને લઈને કાર્યવાહી થશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેર નારોલ વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં એએમસી દ્વારા એક જ પ્લોટમાં જીમનેશિયમ અને લાઇબ્રેરીનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. જ્યારે ખુલ્લા પ્લોટમાં ટેનિસ કોર્ટ બનાવવામાં આવ્યો છે. લાઇબ્રેરીનું સંચાલન લાઇબ્રેરી વિભાગ અને જીમનેશિયમ ચલાવવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ટેનિસ કોર્ટ ચલાવવા માટે અલગથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં રાત્રિના સમયે ટેનિસ કોર્ટ પરિસરમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોર જોરથી ડી.જે વાગતું હતું. વાઇરલ થયેલા વીડિયોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગો અને જિમ્નેશિયમનું નામ પણ લખેલું જોવા મળ્યું હતું. જેથી જીમનેશિયમના કોન્ટ્રાક્ટર દ્વારા પરિસરમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય એવું જણાય છે. ટેનિસ કોર્ટ ચલાવવા માટે અલગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ મંજૂરી લીધા વિના જ રાત્રિના સમયે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી સમગ્ર મામલે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.