ગુજરાતના જળાશયોમાં નવા પાણીની સતત આવક, નર્મદા ડેમની સપાટી 133 મીટરને પાર પહોંચી
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને મેઘમહેર થઈ રહી છે. બીજી તરફ ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ગુજરાતની જીવેદોરી સમાન નર્મદા ડેમમાં જળસપાટી 133 મીટરને પાર પહોંચી છે અને ડેમમાં 81.20 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 60 ડેમ છલકાયાં છે, તેમજ રાજ્યના જળાશયોમાં 77.65 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે.
ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે સરદાર સરોવરમાં જળસપાટી 133.06 મીટરે પહોંચી હતી અને ડેમમાં 81.50 ટકા જળસંગ્રહ થયો છે અને હજુ આવક ચાલુ હોવાથી કેનાલમાં જેટલું પાણી છોડાય છે, તેથી વધુ નદીમાં છોડાઈ રહ્યું છે. જેના પગલે સૌરાષ્ટ્રના જળાશયોમાં હવે વરસાદનું પ્રમાણ વધતા ડેમોમાં આવક થઈ રહી છે ત્યારે પણ 22 ડેમોમાં નર્મદાનીર સૌની યોજના મારફત ઠલવાઈ રહ્યું છે. બીજી તરફ આજી-3 ડેમ ઓવરફ્લો થયો છે. સિંચાઈ વિભાગના સૂત્રો અનુસાર રાજકોટને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી-1,આજી-1 અને ભાદર-1 તથા મોરબીના મચ્છુ-1,મચ્છુ૨ તેમજ ખોડાપીપર, આજી-3, ઉંડ-1, બોરતળાવ, ચાચકા, વાસલ, ભીમદાદ, કાનિયાદ, ડેમી-1, ઉંડ-4, આંકડીયા, ઘેલો ઈતરીયા, આલણસાગર, માલગઢ ઈશ્વરીયા, કર્ણુકી સહિત 22 જળાશયો ઉપરાંત 19 તળાવો અને 460 ચેકડેમોમાં સૌની યોજનાથી નર્મદાનીર ઠલવાઈ રહ્યું છે.
આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના 48 સહિત રાજ્યના 60 ડેમો છલકાઈ ગયા છે, જળસંગ્રહ 100 ટકાએ પહોંચી ગયું છે અને તે ઉપરાંત રૃલ લેવલ જાળવવા દરવાજા ખોલાયા હતા. આજની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં મોજ, વેણુ-2, આજી-2, આજી-3, ન્યારી-2, ભાદર-2 ડેમ, મોરબી જિલ્લામાં બ્રાહ્મણી-2, મચ્છુ-3, જામનગર જિલ્લામાં ફુલઝર-2, વાડીસંગ, ફુલઝર (કો.બા), ઉમીયાસાગર સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ, ત્રિવેણીઠાંગા ઉપરાંત સોરઠી અને સાકરોલી ડેમ માં ઓવરફ્લો જારી રહ્યો હતો. ભારે વરસાદથી આજે તા. 22 ઓગષ્ટે સૌરાષ્ટ્રમાં 74.34 ટકા સહિત રાજ્યમાં એકંદરે 77.65 ટકા જળસંગ્રહ થયો છે.