અંબાજી મેળામાં મોહનથાળ પ્રસાદનું અવિરત વિતરણ, 700 થી પણ વધુ આદિવાસી ભાઈ-બહેનો બનાવી રહ્યાં છે પ્રસાદ
અમદાવાદઃ શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો પૂરબહારમાં ચાલી રહ્યો છે. આ મેળામાં માતાજીના મનભાવન પ્રસાદ, મોહનથાળનું અવિરત વિતરણ થઈ રહ્યું છે. આ પ્રસાદ એટલો પ્રખ્યાત છે કે દર વર્ષે મેળા દરમિયાન 1000 થી 1200 જેટલા મોટા જથ્થામાં તેનું ઉત્પાદન કરવામાં આવે છે.
અંબાજીનો આ મહામેળો માત્ર આસ્થાનું કેન્દ્ર જ નથી, પરંતુ સ્થાનિક આદિવાસી સમાજ માટે રોજગારીનું પણ એક મહત્વનું સાધન છે. અંબાજીના પ્રસાદ ઘરમાં 700 થી પણ વધુ આદિવાસી ભાઈ-બહેનો હોંશે હોંશે આ પ્રસાદ બનાવવાનું અને વિતરણ કરવાનું કાર્ય કરી રહ્યા છે. પ્રસાદ બનાવવાની આ સતત ચાલતી પ્રક્રિયામાં તેમનો ઉત્સાહ અનેરો છે. આદિવાસી પુરુષો પરંપરાગત લોકગીતો ગાઈને શ્રમ કરી રહ્યા છે, જ્યારે મહિલાઓ માતાજીના લોકબોલી ગીતો પર ગરબે ઘૂમીને ભક્તિમાં લીન છે.
અંબાજીના મહામેળામાં પદયાત્રા અને દર્શન જેટલું જ મહત્વ માતાજીના પ્રસાદ મોહનથાળનું છે. શ્રદ્ધાળુઓ આ પ્રસાદ પોતાના સગાં-સંબંધીઓ અને પડોશીઓ માટે અવશ્ય લઈ જાય છે. આ મોહનથાળની અનોખી મીઠાશનું કારણ માત્ર તેના ઘટકો નથી, પરંતુ તે બનાવવાની પ્રક્રિયામાં જોડાયેલા કારીગરો અને મજૂરોની મહેનત, તેમની માઁ અંબે પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને ભક્તિ છે. લોકસંગીતના સુરોની વચ્ચે થતી આ પ્રક્રિયા મોહનથાળને એક અદ્વિતીય સ્વાદ અને આધ્યાત્મિક મીઠાશ આપે છે, જે દરેક શ્રદ્ધાળુના હૃદયને સ્પર્શી જાય છે.