કોંગ્રેસ દ્વારા કાલે ગુરૂવારથી ખેડૂત આક્રોશ યાત્રાનો સોમનાથથી પ્રારંભ કરાશે
- સોમનાથથી યાત્રા શરૂ કરીને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરશે,
- દ્વારકામાં ખેડૂત આક્રોશ યાત્રાનું સમાપન કરાશે,
- કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના સાંભાળવા ખેતર સુધી જશે
અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે કૃષિપાકને સારૂએવુ નુકસાન થયુ છે. ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સરકાર ખેડૂતોને પુરતી સહાય આપે તેવી માગ સાથે અને ખેડૂતોની વેદના સાંભળવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા સોમનાથથી આવતીકાલે તા. 6ઠ્ઠી નવેમ્બરને ગુરૂવારથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થશે. અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસના નેતાઓ ખેડૂતોને મળીને તેમની વેદના સાંભળશે,
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આવતીકાલે તા. 6 નવેમ્બરથી ગીર સોમનાથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ થશે ગીર સોમનાથથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદર થઈ દ્વારકામાં સમાપન થશે. કોંગ્રસની ખેડૂત આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરશે. યાત્રાની દરેક જિલ્લા દીઠ પ્રદેશ નેતાઓને જવાબદારી પણ સોંપી દેવાઈ છે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ ખેડૂતોની વેદના જાણવા ખેતર સુધી જશે અને નાની-મોટી સભાઓ કરી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે. ખેડૂત હિતની વિવિધ માંગણીઓ પણ કોંગ્રેસે સરકાર પાસે કરી છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા અને ખેડૂતોને કઈ રીતે આમ આદમી પાર્ટી તરફ ખેંચી શકાય તે માટેના પાર્ટી પ્રયાસ કરી રહી છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવા માટે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ પણ સૌરાષ્ટ્રથી કર્યા હતા. ત્યાં હવે સૌરાષ્ટ્રમાં જ ખેડૂત આક્રોશ યાત્રા યોજી રહી છે. ખેડૂત આક્રોશ યાત્રા માટે પ્રદેશના નેતાઓને પણ એક-એક જિલ્લામાં મેદાને ઉતારવામાં આવ્યા છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના પ્રદેશના નેતાઓ પણ એક-એક જિલ્લામાં ખેડૂત આક્રોશ યાત્રામાં હાજર રહેશે