ગુજરાતમાં 72 નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસ પંજાના નિશાન પર લડશે
- નગરપાલિકાઓમાં અગાઉ કોંગ્રેસ સ્થાનિક કમિટી બનાવીને ચૂંટણી લડતી હતી,
- 31 ડિસેમ્બર સુધીમાં દાવેદારોની પેનલ બનાવી કોંગ્રેસની કમિટી સમક્ષ રજુ કરાશે
- નાગરિકો સમક્ષ કોંગ્રેસ સ્થાનિક પ્રશ્નો ઉઠાવાશે
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. બે જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયતો અને 72 નગરપાલિકાની ચૂંટણીઓ એક સાથે યોજાશે. જેમાં ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ આ વખતે શહેરોમાં નાગરિક સમિતિઓ કે સ્થાનિક સમિતિઓ સાથે જોડાણ નહીં કરીને સ્વતંત્રરીતે પક્ષના પંજાના નિશાન સાથે જ ચૂંટણીઓ લડશે. હાલ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાઓમાં ઉમેદવારોની પેનલો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. 31 ડિસેમ્બર સુધીમાં પેનલો બનાવીને પ્રદેશ કમિટીને સુપરત કરી દેવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ 72 નગરપાલિકાની ચૂંટણી પંજાના નિશાનથી લડશે. તાજેતરમાં મળેલી મૂલ્યાંકન સમિતિની બેઠકમાં નક્કી થયું હતું. કોંગ્રેસ અત્યાર સુધી કેટલીક નગરપાલિકાની ચૂંટણી પંજાના નિશાન પર અને કેટલીક સ્થાનિક કમિટીઓ બનાવીને લડતું હતું, 31 ડિસેમ્બર સુધીમાં દાવેદારોની પેનલ તૈયાર કરીને પ્રદેશ કમિટી સમક્ષ રજૂ કરાશે.
કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સંગઠનની બેઠકમાં કહ્યુ હતું કે, કોંગ્રેસના પ્રદેશના સંગઠનને વધુ સક્રિય બનાવવું જરૂરી છે. રાજ્યમાં 112 જેટલી હત્યા થઇ, ખ્યાતિ હોસ્પિટલ જેવો કાંડ થયો છતા 125 વર્ષ જૂની પાર્ટી 10 હજારની રેલી કાઢી શકે નહીં, માત્ર ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ લોકોના પ્રશ્નો માટે લડીશું તો જ ઇમેજ ઊભી થશે. એસસી,એસટી અને ઓબીસીના પ્રશ્નોના મુદ્દે આદોલન થાય છે, પણ પ્રદેશ સંગઠન દ્વારા કોઇ ટેકો આપવામાં આવતો નથી. બેઠકમાં અન્ય નેતાઓએ પણ વિવિધ સુચનો કર્યા હતા.