રાજકોટ-જેતપુર હાઈવેની બિસ્માર હાલત સામે કોંગ્રેસનો વિરોધ, કલેકટરનો ઘેરાવ કરાયો
- ભાજપ સરકાર ચોર છે’, ‘રોડ નહિ તો ટોલ નહિ’ના નારા સાથે કોંગ્રેસની રેલી,
- હાઈવે પરના ખાડાનુ ઝડપથી રિપેરિંગ, અને ટ્રાફિક જામ સમસ્યા નિવારાશેઃ કલેકટર,
- હાઈવે ઓથોરિટીના અધિકારીઓને કલેકટરે આપી સુચના
રાજકોટઃ ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતો રાજકોટ-જેતપુરનો હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, અને હાઈવે અત્યંત બિસ્માર બની જતાં કોંગ્રેસે પ્રજાનો અવાજ બનીને ઉગ્ર વિરોધ કર્યો હતો. અને કલેકટરનો ઘેરાવ કરીને ધારાસભ્ય જીજ્ઞેષ મેવાણી સહિત કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ઉગ્ર રજુઆત કરતા કલેકટરે હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સુચના આપી છે.
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈ-વેના રૂ.1204 કરોડના ખર્ચે 67 કિલોમીટરનું કામ છેલ્લા બે 20 મહિનાથી ચાલી રહ્યું છે, જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રથી જેતપુર અવર-જવર કરતા અઢી લાખથી વધુ લોકો પરેશાન થઈ રહ્યાં છે. સપ્ટેમ્બર 2022માં આ માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને બે વર્ષ એટલે કે, સપ્ટેમ્બર 2025માં 67 કિમીના માર્ગનું સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનું હતું, જેની જગ્યાએ માત્ર 20 કિમીનું જ કામ થયું છે. કામગીરી સમયસર પૂર્ણ કરાવવાની જગ્યાએ તંત્ર દ્વારા સમય અવધી વધારી જૂન, 2026 કરી દેવામાં આવી છે. હાલમાં વરસાદને કારણે રાજકોટ-જેતપુર હાઈવે પર ખાડા પડી જતાં ભારે ટ્રાફિકજામ સર્જાય રહ્યો છે. આ સાથે બિસ્માર હાઈવેથી અકસ્માતો પણ વધી રહ્યાં છે.
કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા કલેકટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. હાથ અને માથામાં પાટા બાંધી ‘ભાજપ સરકાર ચોર છે’, ‘રોડ નહિ તો ટોલ નહિ’ના નારા સાથે રેલી યોજી કોંગ્રેસ કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ પહોંચ્યાં હતા. કેન્દ્રીય વાહન-વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના પોસ્ટર બતાવવામાં આવ્યું હતુ, જેમાં ગડકરીના સ્થાને ગડ્ડા-કરી લખવામાં આવ્યું હતુ. તમામ લોકોની એક જ માંગ છે કે, પહેલા આપો રોડ અને પછી માગો ટોલ.
કોંગ્રેસના વિરોધ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટથી જેતપુર હાઈવેનું સિક્સલેનનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને કેટલાક પ્રશ્નો સામે આવ્યા છે. આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને એસપી સાથે વાત કરવામાં આવી છે. હાલ અહીં 18 બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જેમાં 14 જેટલા ડાયવર્ઝન આપવામાં આવેલા છે. ત્યાં વારંવાર ટ્રાફિક જામના પ્રશ્નો સામે આવે છે, જેથી ત્યાં 12 જેટલી ક્રેન મુકાવવામાં આવી છે. જેમાં 2 ક્રેન ટોલ પ્લાઝા ઉપર મુકાવવામાં આવી છે. હાલ એક બ્રિજ શરૂ થઈ ગયો છે અને 48 કલાકનો ડ્રાય સ્પેલ મળી જાય એટલે કે, વરસાદ ન આવે તો નવા ત્રણ બ્રિજ ખુલ્લા મુકી શકાય તેમ છે. જેમાં જામવાડીથી વિરપુર, ગોમટા ફાટક અને વિરપુર બાયપાસનો સમાવેશ થાય છે. ટોલ પ્લાઝા પાસે સડક પીપળીયા નજીક ટ્રાફિક જામ થાય છે, ત્યાં 16 જેટલા ટ્રાફિક માર્શલ ત્રણ શિફ્ટમાં મૂકવામાં આવશે. ઉપરાંત રસ્તા ઉપર ખાડાને કારણે વાહનો ખૂબ જ ધીમા ચાલે છે તો ત્યાં રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ટોલ ન વસૂલવો જોઈએ, તેવી માંગ બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવશે.