ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસની મહારેલી, આદિવાસીઓ ઉમટી પડ્યાં
- ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાંથી મોટીસંખ્યામાં આદિવાસીઓ ધરમપુર પહોંચ્યા,
- પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે,
- ગુજરાત સરકારે પ્રોજેક્ટ સ્થગિત કરવાની ગઈકાલે જાહેરાત કરી હતી.
વલસાડઃ પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટનો આદિવાસી સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે બુધવારે ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ સ્થગિત કર્યાની જાહેરાત બાદ પણ આદિવાસી સમાજમાં વિરોધ યથાવત રહ્યો છે. આજે ગુરૂવારે કોંગ્રેસના ઉપક્રમે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આજે મહા રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.
આદિવાસીઓની મહારેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. આદિવાસી નેતાએ કહ્યું કે, એક-બે લાખથી કઈ નહીં થાય, આપણે ડેમ જોઇતો જ નથી. તો તાપીના પૂર્વ સાંસદે મરવા સુધીની તૈયારી બતાવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટનો આદિવાસી સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટથી આદિવાસીઓની જમીન ડૂબમાં જાય તેવી સ્થિતિ સર્જાશે એવો ભય છે. પાર, તાપી અને નર્મદા એ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે. તેમજ ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ચિકાર બનવાનો છે, જેમાં 12 ગામ જશે. વઘઈ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાંના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.
સૂત્રોના કહેવા મુજબ DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ, સૌરાષ્ટ અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે, પાર-તાપી-નર્મદા રિવલ લિંક પ્રોજેક્ટનું રાજ્યસભાની પ્રશ્નોતરીમાં એવું કહેવામાં આવ્યું કે ડીપીઆર તૈયાર થઇ ગયો છે. એટલે પાર-તાપી સંઘર્ષ સમિતિ દ્વારા આજે અમે આવેદનપત્ર આપવાનું નક્કી કહ્યું અને અમે આવેદનપત્ર આપ્યું. અમારી એક જ માંગ છે કે અમને આ પ્રોજેક્ટ જોઇતો નથી, એટલે શ્વેત પત્ર રજૂ કરે. જેણે પત્ર બતાવ્યો એમને કહેવાનું કે પહેલાં બરાબર વાંચો અને આદિવાસીઓને મુરખ બનાવવાનું બંધ કરો. હવે પછી અમે બીજી રેલી ડાંગમાં કરીશું.