પાટડીના ગેડિયા ગામે પિતા-પૂત્રના એન્કાઉન્ટર કેસમાં 7 પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાશે
- બજાણા પોલીસે વર્ષ 2021માં પિતા-પૂત્રનું એન્કાઉન્ટર કર્યુ હતું
- પીએસઆઈ સહિત 7 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ
- મૃતકના પરિવારે ન્યાય તંત્ર પર વિશ્વાસ વ્યક્ત કર્યો
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીના ગેડિયા ગામે વર્ષ 2021માં પોલીસે પિતા-પૂત્રનું એન્કાઉન્ટર કર્યુ હતુ. આરોપી સામે અનેક ગુના નોંધાયેલા હતા. તેમે પકડવા જતા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પોલીસે ફાયરિંગ કરતા આરોપી અને તેના પૂત્રનું મોત નિપજ્યું હતું. આ કેસમાં મૃતકના પરિવારએ ન્યાય માટે કોર્ટના દરવાજા ખટખટવ્યા હતા. અને ચાર વર્ષ બાદ આખરે પોલીસ દોષિત સાબિત થઈ છે. હનીફ ખાન અને તેના 14 વર્ષીય પુત્ર મદીમખાનનું એન્કાઉન્ટર કરનારા બજાણા પોલીસ સ્ટેશનના PSI વીરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ પર પોલીસ ફરિયાદ દાખલ કરવા ધ્રાંગધ્રા કોર્ટે આદેશ કર્યો છે.
ધ્રાંગધ્રા કોર્ટના આદેશ બાદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે. મૃતકની દીકરીએ જણાવ્યું હતું કે, મારા પિતા અને ભાઈને મોતને ઘાટ ઉતારનારા પોલીસ પર કડક કરવા વિનંતી કરી છે.
આ કેસની વિગતો એવી હતી કે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાટડીના ગેડિયા ગામમાં વર્ષ 2021માં ચકચારી એન્કાઉન્ટરમાં ગુજસીટોકના આરોપી મૃતક હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો સામે કુલ 86 ગુના નોંધાયેલા હતા. જો કે 59 ગુનામાં તો તે વોન્ટેડ હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને ઝડપી લેવા માટે ગયા ત્યારે તેણે પોલીસ પર પણ હુમલો કર્યો હતો, જેથી તેની વળતી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું જેમાં હનીફ ખાન અને તેના પુત્ર મદીનનું મોત નિપજયું હતું. આ હુમલામાં PSI વીરેન્દ્રસિંહ જાડેજા સહિત 7 પોલીસ કર્મી ઘાયલ થયા હતા. જોકે, પરિવારજનો દ્વારા એન્કાઉન્ટર નકલી હોવાના આક્ષેપ કરાયા હતા અને મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ મામલે પોલીસ સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ધ્રાંગધ્રા કોર્ટે પોલીસ કર્મચારીઓ પર ફરિયાદનો આદેશ આપ્યો છે.