હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સાથે આવવું એ શરૂઆત છે, સાથે રાખવું એ પ્રગતિ છે અને સાથે કામ કરવું એ સફળતા છે

09:00 AM Sep 27, 2025 IST | revoi editor
Advertisement

(પુલક ત્રિવેદી)

Advertisement

જુન જુલાઈના મહિનાઓ એટલે પરિણામનો સમય. આખા વર્ષ દરમિયાન કરેલા પરિશ્રમના ફળ ચાખવાનો સમય. જીવનમાં આવનારી અનેક તકો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી આગળ વધવાનો આ એક ટર્નીંગ પોઈન્ટ છે. અમેરિકાના મિશિગનમાં વર્ષ ૧૮૬૩માં જન્મેલો એક બાળક એની મહેનત અને લગનથી વિશ્વની ઓટોમોબાઈલની દુનિયાનો બેતાજ બાદશાહ બની ગયો. એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા આ બાળકને બચપનથી મશીનો પ્રત્યે અપાર લગાવ હતો. પરંતુ ખેડૂત પિતાની ઇચ્છા એના પુત્રને ખેતીના કામમાં જોડવાની હતી. આ ખેડૂતપુત્રએ બાળપણમાં ૧૩ વર્ષની ઊંમરે એને ગીફ્ટમાં મળેલી એક ઘડિયાળ ખોલીને રીપેર કરી દીધી હતી. કુમળી રમવા કુદવાની વયે એણે સ્ટીમ એન્જિન બનાવ્યું એટલું જ નહી આસપાસના ખેડૂત ભાઈઓને એમની આવશ્યકતા અનુસાર સ્ટીમ એન્જિન બનાવી આપ્યા. આ છોકરાના મિત્રોમાં એની મેઘાવી ઈજનેરી સ્કિલ અને બુદ્ધિક્ષમતાની જબરી ચર્ચા હતી. વર્ષ ૧૮૭૯માં એણે મિશિગન કાર કંપનીમાં ટ્રેઇની બનીને કામ કરવાનું શરૂં કર્યું. બે અઢી વર્ષના સમયમાં એણે ઘણી નોકરીઓ કરી. પછી વર્ષ ૧૯૮૨માં એ પોતાના ઘરે પાછો આવ્યો અને થોડો સમય ખેતીવાડી કરી.

પુલક ત્રિવેદી

જો કે એ સમયમાં પણ એણે ખેડૂતો માટે ઉપયોગી પોર્ટેબલ સ્ટીમ એન્જિન બનાવવાનું અને તેને રીપેર કરવાનું કામ પણ કર્યું. પિતાજીની ૪૦ એકર જમીનમાં લાકડા કાપી વેચવાનું કામ એ કરતો. વર્ષ ૧૮૮૮માં આ છોકરાએ કલારા નામની ફૂટડી યુવતી સાથે લગ્ન કર્યા અને ડેટ્રોઈટ જઈને એડિસન ઈલેક્ટ્રિકલ કંપનીમાં નોકરી શરૂ કરી. આ યુવાન ખૂબ નિષ્ઠાવાન અને મહેનતુ હતો. જોત જોતામાં એ એડિસન એલ્યુમિનેટીંગ કંપનીનો જનરલ મેનેજર બની ગયો. પરંતુ એને આ કામમાં મન ગોઠતુ ન હતું. એ તો બસ એને મળતા ફાજલ સમયમાં મશીનો સાથે ગડમથલ કરતો રહેતો હતો. એ જમાનામાં ઘોડાથી ચાલતી બગીઓનું વિશેષ ચલણ હતું. એણે ૧૮૮૩માં પહેલ વહેલું ઘોડા વગર સ્વયં ચાલિત વાહન એના મિત્રોની મદદથી બનાવ્યું. આ છોકરો બીજો કોઈ નહીં પણ જગત જેને ઓટોમોબાઈલ ક્ષેત્રના મહારાજા તરીકે ઓળખે છે એ હેનરી ફોર્ડ. એની કૌશલ્ય અને ખંતને જોઈને થોમસ કંપનીના ધનાઢ્ય વેપારીએ કાર બનાવવા માટે નાણાકીય રોકાણની સમજુતી કરી. પરંતુ થોડા સમય બાદ એ સમજુતી તુટી ગઈ. પરંતુ ફોર્ડ એનાથી અટકી ન ગયો. એ બમણા જોમ અને જુસ્સાથી મહેનત કરવા લાગ્યો.

Advertisement

અંતે હેનરીએ ૧૯૩૦માં ૨૮,૦૦૦ ડોલર સાથે ફોર્ડ કંપનીની શરૂઆત કરી. હેનરી અત્યંત ધનાઢ્ય બની ગયો હતો. એક સમયે વિશ્વમાં વેચાતી મોટર કાર્સમાં મોટા ભાગની કાર્સ ફોર્ડ કંપનીની હતી. હેનરી સંપત્તિવાન જરૂર હતો પરંતુ મુડીવાદી વિચારધારાનો પ્રખર વિરોધી હતો. આજે જેમ સ્ટીવ જોબ્સ, બીલ ગેટ્સ વગેરે એ મોંઘીદાટ ટેકનોલોજીને ઘર ઘરની જરૂરિયાત બનાવી દીધી છે. આજે જેમ સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્સ વગેરે જેવાઓએ મોંઘીદાટ ટેકનોલોજીને ઘર ઘરની જરૂરિયાત બનાવી દીધી છે એમ એ જમાનામાં હેનરીએ મોટર કાર અમિરોની જાગીર હોવાની પરિભાષા બદલીને કાર ઘર ઘરની જરૂરિયાત બનાવવામાં સિંહફાળો આપ્યો છે.

એણે કાર ઉત્પાદનમાં અનેક નવતર અને કિફાયતી માર્ગો અપનાવી કારની કિંમત સામાન્ય માનવીને પરવડે એવી રાખી. હેનરી હંમેશા વેલફેર કેપિટાલિઝમમાં માનતા. એ સમયમાં મોટરકાર બનાવવાની ટેકનોલોજી અત્યંત ધીમી અને બોરીંગ હતી. વળી કામદારોને મહેનતાણુ પણ ખૂબ ઓછુ મળતુ એટલે કુશળ કારિગરોની અછત રહેતી. હેનરીએ આ બાબત નિર્મૂળ કરી નાખી. એણે પ્રત્યેક કામદારના વેતનમાં બમણો વધારો કરી નાખ્યો. એણે ટાયર, બોડી, સ્ટીલ વગેરે કંપનીમાં જ ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકસાવી. પરિણામે એસેમ્બલિંગનું કામ ઝડપથી થવા લાગ્યું. વધુ મોટરકારનું ઉત્પાદન થવા લાગ્યું. એણે ઈન્ટ્રોડ્યુસ કરેલી ફોર્ડ ટી મોડેલની કાર ખાસ્સી લોકપ્રિય બની હતી.

ગોરા કાળાના રંગભેદના સિવિલ વોરના વર્ષ ૧૮૬૩ના સમયમાં જન્મેલા હેનરી ફોર્ડને એની માતા સાથે બેહદ લગવા હતો. વર્ષ ૧૮૭૬માં માતાના અવસાન બાદ હેનરી થોડો સમય ડિપ્રેસ્ડ થઈ ગયો હતો. પછી પાછો ફિનોનેક્સ પક્ષીની જેમ એ રાખમાંથી બેઠો થયો. હેનરીને જીવનભર ક્યારેય શરાબ, સિગરેટ જેવા વ્યસનોએ જકડ્યો ન હતો. હેનરી ફોર્ડ એક સફળ બિઝનેસમેન તો જરૂર હતો પરંતુ એનાથી ક્યાંય વધારે સારો ચિંતક અને વિચારક હતો. ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવનારા હેનરી ફોર્ડની શૈક્ષણિક કારકિર્દી બહુ પ્રભાવક ક્યારેય ન હતી. હેનરી ફોર્ડની કાર ઉત્પાદક અને સફળ ઉદ્યોગપતિની આટલી કહાની બાદ એની બાયોગ્રાફીમાં એમણે આપેલા કેટલાક દાદુ વિચારો પણ જીવનમાં ઉતારવતા જેવા છે.

વર્ષ ૧૯૩૪માં લખાયેલી માય લાઈફ એન્ડ વર્કમાં હેનરી ફોર્ડ લખે છે કે, શિક્ષણ એ વાંચીને સંગ્રહ કરીને એક માત્ર સ્પર્ધક થવા જેવી વાત ન બનવી જોઈએ. શીખનાર વ્યક્તિએ તો એની આસપાસ બનતી ઘટનાઓ અને વ્યક્તિઓ પાસેથી શીખીને એને અમલમાં મૂકવું જોઈએ. શિક્ષણનો હેતુ વ્યક્તિના મનને માહિતીથી ભરવાનો હરગીઝ નથી. શિક્ષણથી વ્યક્તિએ મગજમાં આવતા વિચારોનો ઉપયોગ કરવાનું શીખવાનું છે. ઘણીવાર એવું પણ બને ભૂતકાળની ભુતાવળ આડે ન આવે તો વ્યક્તિ વધુ સારું વિચારી શકે. ૨૦મી સદીના વિકસિત વિશ્વનો પાયો નાખનારા મેઘાવી વ્યક્તિત્વના માલિક હેનરી ફોર્ડ છે. વર્ષ ૧૯૨૩માં પ્રકાશિત માય લાઈફ એન્ડ વર્ક, વર્ષ ૧૯૨૬માં પ્રકાશિત ટૂડે એન્ડ ટુમોરો, અને વર્ષ ૧૯૩૦માં પ્રકાશિત મુવિંગ ફોર્વર્ડ પુસ્તકોમાં હેનરી ફોર્ડના વિચારો અને કાર્યો પ્રતિબિંબિત થયા છે. હેનરી ફોર્ડ લિખિત આ પુસ્તકો જીવનમાં નવી ચેતનાનો સંચાર કરે એવા છે.

ધબકાર :

જ્યારે વ્યક્તિને પોતાની જાત ઉપર વિશ્વાસ હોય છે ત્યારે અડધું કાર્ય કામ શરૂ કરતાં પહેલાં પુરું થઈ જાય છે.

Advertisement
Advertisement
Next Article