For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સાબરમતી નદીના સ્તરમાં ઘટાડો થતાં રિવરફ્રન્ટ પર સફાઈ કામગીરી હાથ ધરાઈ

04:49 PM Aug 27, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં સાબરમતી નદીના સ્તરમાં ઘટાડો થતાં રિવરફ્રન્ટ પર સફાઈ કામગીરી હાથ ધરાઈ
Advertisement
  • સાબરમતી રિવરફ્રન્ટ વોક વે અને લોઅર પ્રોમિનાડ પર નદીના પાણી ફરી વળ્યા હતા,
  • રિવરફ્રન્ટ પર નારણઘાટ, ઉસ્માનપુરા સહિત કેટલાક ભાગોમાં સફાઈ કરવામાં આવી,
  • એક દિવસ લોઅર પ્રોમિનાડ નાગરિકો માટે બંધ રહેશે

અમદાવાદઃ સાબરમતી નદી પરના ધરોઈ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પૂર આવતા અમદાવાદના રિવરફ્રન્ટ પરનો વોક-વે અને પ્રોમિનાડ પાણીમાં ગરકાવ થયો હતો. આજે સાબરમતી નદીમાં જળસ્તરમાં ઘટાડો થતાં રિવરફ્રન્ટ પરના વોક-વે અને પ્રોમિનાડમાં નદીના કાપ સાથે કચરો ભરાયેલો હોય આજે સવારથી જેસીબી મશીનોની મદદથી કામદારો દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે નાગરિકો માટે વોક-વે અને પ્રોમિનાડ બંધ રહેશે.

Advertisement

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ત્રણ દિવસથી સતત પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં પૂર આવ્યું હતુ. નદીમાં છોડવામાં આવેલા પાણીના પગલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વોક વે અને લોઅર પ્રોમિનાડ પર નદીના પાણી ફરી વળ્યા હતા. 12 કલાક સુધી નદીના પાણી લોઅર પ્રોમિનાડ પર રહ્યાં બાદ પાણીનું સ્તર ઘટ્યું હતું. જેના કારણે લોઅર પ્રોમિનાડ પરથી પાણી ઉતરી ગયું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. માટે હજી પણ આજનો દિવસ રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ બંધ રહેશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સૂત્રોના કહેવા મુજબ સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું.જેના કારણે રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ પર પાણી આવ્યું હતું. નદીમાં પાણીનું સ્તર ઓછું થતા લોઅર પ્રોમિનાડ પર તાત્કાલિક જેસીબી અને ડમ્પરો તેમજ માણસોની મદદથી સફાઈ શરૂ કરવામાં આવી હતી ગઈકાલે મંગળવારે સાંજથી જ સફાઈ શરૂ કરવામાં આવી છે. આજે પણ અમુક જગ્યાએ જ્યાં પાણી ઉતર્યા છે અને માટી તેમજ કચરો છે તેને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. રિવરફ્રન્ટ પર નારણઘાટ, ઉસ્માનપુરા અને પૂર્વ તરફના કેટલાક ભાગોમાં હજી સફાઈ કરવામાં આવી રહી છે જેથી એક દિવસ હજી પણ લોઅર પ્રોમિનાડ નાગરિકો માટે બંધ રાખવામાં આવ્યો છે.

Advertisement

સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધતા ગઈકાલે મંગળવારે શહેરના સુભાષ બ્રિજ ખાતે વાઈટ સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું હતું. શહેરના વાડજ, જુના વાડજ, દૂધેશ્વર, માધુપુરા, શાહપુર, સુભાષબ્રિજ, પાલડી, એલિસબ્રિજ, ગ્યાસપુર, જમાલપુર, રખિયાલ, કોચરબ, સાબરમતી પાવર હાઉસ, કોચરબ, પીરાણા, પીપળજ અને શાહવાડી સહિતના 19 વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું હતું જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધંધુકા, બાવળા, ધોળકા અને સાણંદના 133 તાલુકાઓમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. પુર નિયંત્રણ વિભાગના મામલતદાર દ્વારા અમદાવાદ જિલ્લા અને શહેર પોલીસ તેમજ પ્રાંત અધિકારીને પુરગ્રસ્ત ગામોમાં સલામતીના પગલા લેવા જાણ કરી હતી.  જોકે સાબરમતી નદીમાં ગઈકાલથી બપોરે 12 વાગ્યા બાદ સાબરમતી નદીનું પાણીનું સ્તર ઘટ્યું હતું. વાસણા બેરેજની સ્થિતિ 130 ફૂટ જેટલી લેવલે પહોંચી ગઈ હતી. પાણી ધીમે ધીમે સાંજ સુધી ઓછું થયું હતું જેના પગલે રિવરફ્રન્ટ પરથી પણ પાણી ઓછું થવા લાગ્યું હતું સાંજે મોટાભાગના રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ પરથી પાણી ઓછું થઈ ગયું હતું. જોકે હજી પણ સાબરમતી રિવરફ્રન્ટના લેવલ સુધી બંને કાંઠે વહી રહી છે.

Advertisement
Tags :
Advertisement