નડિયાદના સલુણ ગામે બે જુથ વચ્ચે મારામારી, પથ્થરામારમાં 5 લોકોને ઈજા
- બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
- નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ બે જુથો આમને-સામને આવી ગયા
- પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી
નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદના સલુણ ગામે ગઈકાલે સાંજે નજીવી વાતે બોલાચાલી થયા બાદ બે સમાજના ટોળાં આમને-સામને આવી ગયા હતા. અને મારામારીમાં 5 લોકોને ઈજાઓ થઈ હતી. જેમાં બે લોકોને વધુ ઈજા પહોચતાં તેમને અમદાવાદ સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ સમગ્ર મામલે ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ બસ સ્ટેન્ડ નજીક આવેલી દુકાને સિગારેટની ખરીદી બાબતે શરૂ થયેલો વિવાદ મોટા ઘર્ષણમાં પરિણમ્યો હતો
નડીયાદ તાલુકાના સલુણ ગામે નજીવી વાતે બોલચાલી બાદ બે જુથો આમને-સામને આવી ગયા હતા. અને મારામારી થઈ હતી. આ ઘટનામાં પથ્થરમારો થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને નડિયાદ ગ્રામ્ય પોલીસે સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સલુણ ગામના વિશાલ મકવાણાએ નોધાવેલી ફરિયાદમાં સાંજના સમયે સલુણ બસ સ્ટેન્ડ પાસે આવેલા સંજય તળપદાની દુકાને પડીકી લેવા ગયો હતો. જેમાં અગાઉના ઝઘડાનું વેર રાખી સંજયે ગાળો બોલી હતી અને જ્ઞાતિ વાચક શબ્દો બોલી 15 જેટલા માણસોનો ટોળું ધસી આવ્યું હતું.
આ ટોળાએ લાકડાના દંડા, ઈંટો અને લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે વિશાલ અને તેના મિત્રો સાથે મારામારી કરી હતી. આ ઉપરાંત પથ્થરમારો પણ કર્યો હતો. આ બનાવમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આથી આ બનાવ મામલે વિશાલ મકવાણાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે અન્ય સામાપક્ષે કરેલી ફરિયાદમાં પ્રવીણભાઈ તળપદાએ લખાવ્યું કે તેમના ફોઈના દીકરાની સંજયની દુકાન બસ સ્ટેન્ડ પાસે આવેલી છે. શુક્રવારે સાંજે એક કારમાં ગામના અમુક લોકો કારનો હોર્ન સતત વગાડી સિગારેટનું પેકેટ માંગતા હતા. પરંતુ દુકાનદાર સંજયની દુકાને ગ્રાહકો વધારે હોય તેમણે આ કાર ચાલક અને અન્ય સાગરીતોને દુકાન પર આવી વસ્તુ લઈ જવા જણાવ્યું હતું. જેથી આક્રોશમાં આવેલા આ કારમાં સવાર લોકોએ સંજય સાથે ગાળાગાળી કરી હતી. બાદમાં આ કારમાં આવેલા લોકોએ ટોળુ લઈ આવી દુકાનદાર સંજય અને તેમના સંબધી સતિષભાઈ તેમજ વિનોદભાઈને માર માર્યા હતા. છૂટા પથ્થરો પણ ફેંકી ઇજા કરી હતી. આ બનાવમા 3 લોકો ઈજા થઈ હતી. આ મામલે પ્રવિણભાઇ તળપદાએ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ઉપરોક્ત આઠ વ્યક્તિઓના નામ જોગ અને બીજા 15થી 20 માણસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.