બાલાસિનોર નજીક ગાંજાનું વાવેતર પકડાયુ, 473 કિલો ગાંજા સાથે એકની ધરપકડ
- રત્નાજીના મુવાડા ગામે એરંડાના પાકની આડમાં ગાંજાના 258 છોડ મળ્યા
- પકડાયેલા ગાંજાની કિંમત રૂપિયા 2.37 કરોડનો અંદાજ મુકાયો
- પોલીસે બાતમીને આધારે રેડ પાડી હતી
બાલાસિનોરઃ તાલુકાના રત્નાજીના મુવાડા ગામેની સીમમાં ગાંજાનું વાવેતર કરાયુ હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે રેડ પાડીને ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ગાંજાની કિમત રૂ. 2.37 કરોડ અંદાજવામાં આવી છે.
મહિસાગર જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, તાલુકાના રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતા એરંડાના છોડની આડમાં છુપાવેલા નાના-મોટા 258 ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડનું વજન 473.960 કિલોગ્રામ થયું હતું. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 2,36,98,000/- (બે કરોડ છત્રીસ લાખ અઠ્ઠાણુ હજાર) આંકવામાં આવી છે. પોલીસે આ મામલે વાઘજી શીવાભાઈ પરમાર (રહે. રત્નાજીના મુવાડા, તા. બાલાસિનોર, જિ. મહીસાગર) નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં પોલીસવડા સફીન હસને ચાર્જ સંભાળ્યા બાદથી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.