મુખ્યમંત્રીનો 79મા સ્વાતંત્ર્ય પર્વએ પ્રજાજોગ સંદેશઃ રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હૈયે રાખવાનું આહ્વાન
- આઝાદીનાસાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે,
- દેશનીસુરક્ષા-સલામતિ સામેનો કોઈ કાંકરીચાળો ભારતમાં ચાલશે નહીં, એવો સાફ સંકેત નરેન્દ્ર મોદીએ દુનિયાને આપ્યો છે,
- ગુજરાતમાંઆપણે ગામે-ગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ-સંધ્યાએ ગુજરાતના નાગરિકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો છે.
આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને ભારત દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે ભારત દેશ વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ બન્યો છે, તેમ જણાવી મુખ્યમંત્રીએ આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને બિરદાવ્યા હતા.
મુખ્યમંત્રીએ તેમના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે, આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને આપણે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યા છીએ. આજે આપણો દેશ વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા સક્ષમ બન્યો છે. વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. તેના પાયામાં પોતાના લોહી-પરસેવાથી આઝાદીનું વટવૃક્ષ સિંચનારા ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાન પડેલા છે.
તેમણે પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું કે, ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરીને બ્રિટીશરોની લાઠી-ગોળી ખાનારા એ સૌ પુણ્યાત્માઓને આજે નત મસ્તક વંદન કરવાનો પણ અવસર છે. રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હૈયે હોય અને સ્વનું નહીં સમસ્તનું ભલું કરવાની પ્રતિબદ્ધતા હોય તો અસરકારક પરિણામો મેળવી શકાય છે. ભારતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ઓપરેશન સિંદુરની સફળતાથી દુનિયાને એ બતાવ્યું છે. આતંકવાદ કે દેશની સુરક્ષા-સલામતિ સામેનો કોઈ કાંકરી ચાળો ભારતમાં ચાલશે નહીં એવો સાફ સંકેત વડાપ્રધાનએ દુનિયાને આપી દીધો છે. ગુજરાતમાં આપણે ગામેગામ અને નગરો-શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષનું સ્વતંત્રતા પર્વ આપણા માટે વિશેષ મહત્વનું પર્વ છે. 1960માં મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા આપણા ગુજરાતના 75 વર્ષ એક દાયકા પછી એટલે કે 2035માં થવાના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની જે ભવ્ય ઇમારત રચી છે તેને ગુજરાત @ 75માં વૈશ્વિક વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો આપણો સંકલ્પ છે. ભારતની આઝાદીના 100 વર્ષ 2047માં પુરા થાય અને દેશ સ્વતંત્રતાની શતાબ્દી ઉજવે તે પહેલાં ગુજરાતને તો આ એક મોટો અવસર મળવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સૌના કલ્યાણ, સૌના વિકાસ અને સૌની સુખ-સમૃદ્ધિની નેમ રાખી છે. આપણે વિકાસના લાભ છેવાડાના, અંત્યોદય, ગરીબ માનવી સુધી 100 ટકા પહોંચે તે સેચ્યુરેશન એપ્રોચથી સુનિશ્ચિત કર્યું છે. સાથો સાથ આહાર, આરોગ્ય, અભ્યાસ અને આર્થિક આધાર પણ સૌને મળે તેવી અનેક જનકલ્યાણ યોજનાઓ-નિર્ણયો કર્યા છે. એટલું જ નહિ, રાજ્યની ઉજ્જવળ આવતીકાલ માટે દીકરીઓના અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે. સ્વસ્થ અને સક્ષમ ભવિષ્યના નિર્માણ માટે આંગણવાડીઓથી લઈને પ્રાથમિક શાળાના ભૂલકાંઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી પોષક આહાર પૂરો પાડીએ છીએ. કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રથી લઈને વેપાર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, દરેકે દરેક ક્ષેત્રોમાં સૌને ઉડીને આંખે વળગે તેવો વિકાસ ગુજરાતે કર્યો છે. આ બધા જ આયામો ખેડૂત, ગરીબ, વંચિત, છેવાડાના અને સામાન્યમાં સામાન્ય માનવી, યુવા, નારી શક્તિને 'અર્નીંગ વેલ, લિવિંગ વેલ'થી સર્વગ્રાહી વિકાસ માટે આદર્યા છે.
ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 9 લાખ અને ગ્રામીણ ક્ષેત્રમાં 2 લાખ 20 હજાર જેટલા આવાસો PMAY માં બનાવીને જરૂરતમંદ લોકોને પાકા આવાસ આપ્યા છે. 76 લાખ અંત્યોદય પરિવારોના કુલ 3 કરોડ 26 લાખ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપીએ છીએ.વડાપ્રધાનશ્રીએ દેશના દરેક નાગરિકના આરોગ્ય સુખાકારીની ચિંતા કરી છે. વડાપ્રધાનએ વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે.આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.