For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસના મુખ્યમંત્રીએ આપ્યા આદેશ

05:53 PM Jul 09, 2025 IST | revoi editor
ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસના મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
Advertisement
  • મુખ્યમંત્રીના આદેશ બાદ તંત્ર એલર્ટ થયું,
  • વડાપ્રધાને મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50,000ની સહાયની જાહેરાત કરી,
  • CMએ હાઇકમિટીને તાત્કાલિક સ્થળ પર મોકલી

અમદાવાદઃ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 10 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે. આ ઘટના પગલે મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું  છે. અને તપાસના આદેશ આપ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહીસાગર નદી પરનો પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. અને મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને દુર્ઘટનાને લઇને દુખ વ્યક્ત કરવાની સાથે તપાસના આદેશ આપ્યા હતા. તેમણે લખ્યું હતું કે 'આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ કરવાની સૂચનાઓ આપી છે.  દુર્ઘટના સ્થળે બચાવ રાહત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ બોટ્સ અને તરવૈયાઓ સાથે કાર્યરત છે, તેમજ NDRF ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે. આ દુર્ઘટના અંગે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. તેમજ  ચીફ એન્જિનિયર - ડિઝાઇન તથા ચીફ  ઇજનેર- સાઉથ ગુજરાત અને પૂલ નિર્માણમાં નિષ્ણાત અન્ય બે ખાનગી ઇજનેરોની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહીસાગર નદી પર પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement