અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CREDAI 'પ્રોપર્ટી શો GUJCON' નું ઉદ્ઘાટન કર્યું
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા (CREDAI) દ્વારા આયોજિત 'પ્રોપર્ટી શો GUJCON' નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા મંત્ર "સૌના સાથ સૌના વિકાસ"ને અનુસરીને જનતાની દરેક સમસ્યા- ગુચવણનો ઉકેલ લાવવા છે. રાજ્યના બિલ્ડર્સ, રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો એ ‘વિકસિત ભારત’ના નિર્માણમાં અગ્રણી સહયોગીઓ છે ત્યારે તેમની દરેક સમસ્યા રજૂઆતો બાબતે પરામર્શ કરવા સરકાર સક્રિય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, એફોર્ડેબલ હાઉસિંગની ડેફીનેશન- કોન્સેપ્ટને રિવાઇઝ કરવાની જરૂર છે. નાના મકાન 1BHK, 2BHK વધુ સંખ્યામાં કેવી રીતે બનાવી શકાય અને તે માટે ડેવલોપર્સને કઈ ફેસિલિટીની જરૂર છે, તેની ચર્ચા કરવા સરકાર તૈયાર છે. મુખ્યમંત્રીએ જંત્રી સંલગ્ન તેમજ FSI માં છૂટ સહિતના તમામ રાહતના લાભ છેક છેવાડાના માનવી અર્થાત મકાન ખરીદનાર સુધી પહોંચે તેવી હિમાયત ડેવલોપર્સ સમૂહને કરી હતી.
એફોર્ડેબલ હાઉસિંગના નિર્માણમાં રાજ્ય સરકાર બિલ્ડર્સ ડેવલોપર્સને શક્ય તમામ પ્રોત્સાહન અને રાહત આપવા રાજ્ય સરકારનું મન ખુલ્લું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. પીએમ મોદીએ ટી.બી. મુક્ત ભારતનો નિર્ધાર કર્યો છે તેને પાર પાડવામાં મુખ્યમંત્રી એ પોષણ કીટ વિતરણ માટે બિલ્ડર્સને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ CREDAIના ગ્રીન કવર વધારવાના પ્રયાસો, ગ્રીન બિલ્ડિંગ્સના નિર્માણ અને શાળા નવીનીકરણ પ્રકલ્પોને બિરદાવ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ CREDAIની CSR પહેલનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં CEPT યુનિવર્સિટી અને CREDAI વચ્ચે પ્લમ્બર ઇલેક્ટ્રીશન માટેના અભ્યાસક્રમ શરૂ કરવાના MOU પણ થયા હતાં.