છત્તીસગઢ: રાયપુરમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 13ના મૃત્યુ
રાયપુરઃ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, અહીં રાયપુર-બાલોદ બજાર રોડ પર સારાગાંવ નજીક ટ્રક અને ટ્રેલર વચ્ચે થયેલી ટક્કરમાં 13 લોકોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં અન્ય 12 લોકો ઘાયલ થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં નવ મહિલાઓ અને ચાર બાળકોઓએ જીવ ગુમાવ્યા છે.
રાયપુરના SP લાલ ઉમ્મેદસિંહે કહ્યું હતું કે, આ લોકો લગ્ન પછીના કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિંહે વધુમાં કહ્યું હતું કે, ટ્રક ચૌથિયા છટ્ટીથી એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેમને તાત્કાલિક રાયપુરની ડૉ. બી.આર.આંબેડકર મેમોરિયલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મોટા માર્ગ અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે, ચતૌદ ગામનો પરિવાર બંસરી ગામમાં એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. પરત ફરતી વખતે, ખારોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરગાંવ પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે ટક્કર થઈ હતી.
રાયપુર જિલ્લા કલેક્ટર ગૌરવ સિંહે કહ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. કલેક્ટરે વધુમાં કહ્યું કે, પોલીસે આ સંદર્ભમાં કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.