સાંસદ ગનીબેન ઠાકોરની વિરોધમાં સોશિયલ મીડિયામાં પોસ્ટને લીધે પાટડીમાં ચક્કાજામ
- સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકનાર ચિંતન મહેતાએ માફી માગી
- પાટડીમાં ઠાકોર સમાજ અને કોંગ્રેસે ચક્કાજામ કર્યો
- પોલીસે 20 કાર્યકર્તાની અટક કરી
પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ઠાકોર સમાજના યુવાનો અને કોંગ્રેસના કાર્યકરોએ ચક્કજામ કર્યો હતો. સાંસદ ગનીબેન ઠાકોરની વિરોધમાં ચિંતન મહેતા નામના વ્યક્તિએ સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકી હતી. તેના વિરોધમાં કડક પગલાં લેવાની માગ સાથે પાટડીમાં ચક્કાજામ કરાયો હતો. પોલીસે 20 જેટલા કાર્યકરોની અટક કરી હતી.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ મૂકતા ભારે વિરોધ થયો હતો. સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકનારા યુવક ચિંતન મહેતાએ માફી માગી હોવા છતાં વિવાદ શમી રહ્યો નથી. પાટડીના જૈનાબાદ રોડ પર ઠાકોર સમાજ અને કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો. પાટડીના નવરંગપુરાના ચિંતન મહેતાએ 'સી.એમ.સરકાર' નામના ફેસબુક પેજ પર ગેનીબેન ઠાકોર વિરુદ્ધ જાતિ આધારિત રાગદ્વેષ ફેલાવતી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને લઈને સમગ્ર રાજ્યમાં ઠાકોર સમાજ અને કોંગ્રેસમાં રોષ ફેલાયો છે. જૈનાબાદ રોડ પર થયેલા ચક્કાજામને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી 20થી વધુ લોકોની અટકાયત કરી હતી. વિરોધ કરનારાઓએ પોસ્ટ મૂકનાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પાટડી ચાર રસ્તા પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, વિક્રમ રબારી સહિતના નેતાઓ અને ઠાકોર સમાજના લોકોએ ચક્કાજામ કર્યો હતો. પોલીસે તેમની અટકાયત કરી બાદમાં છોડી મૂક્યા હતા. ચિંતન મહેતાએ પોસ્ટ ડિલીટ કરી વિડિયો દ્વારા માફી માંગી હોવા છતાં ઠાકોર સમાજ અને કોંગ્રેસનો આક્રોશ શમી રહ્યો નથી.