વડોદરા હાઈવે પર ઉમેટા બ્રિજ કાર ભડકે બળી, પરિવારનો આબાદ બચાવ
- કારના બોનેટમાં ધૂમાડો જોતા જ ચાલકે તમામને કારમાંથી ઉતારી લીધા,
- આગની તીવ્રતાને કારણે ઉમેટા બ્રિજને વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવાયો,
- ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી,
વડોદરાઃ હાઈવે પર મહીસાગર પરના બ્રિજ ઉપર ગઈ મોડી સાંજે એક કાર આગમાં લપેટાતા સુરતના પરિવારનો બચાવ થયો હતો. સિંધરોટ નજીક મહીસાગર નદી પરના ઉમેટા બ્રિજ પાસે સુરતના એક પરિવારના પાંચ સભ્યો કારમાં સૌરાષ્ટ્રથી પરત ફરી રહ્યા હતા ત્યારે એન્જિનના ભાગેથી ધુમાડા નીકળતા કોઈ વાહન ચાલકનું ધ્યાન ગયું હતું અને તેણે કાર ચાલકને જાણ કરી હતી. કારચાલકે સતકૅ થઈ તરત જ રોડ સાઈટ પર કાર પાર્ક કરી પરિવાર સહિત નીચે ઉતારી લીધા હતા તેમજ સામાન પણ બહાર કાઢી લીધો હતો. ત્યારબાદ તરત જ આગ ભડકી ઉઠી હતી અને જોત જોતામાં આખી કાર આગમાં સળગવા માંડી હતી.
વડોદરા જિલ્લાના સિંધરોટ ગામ નજીક આવેલા ઉમેટા બ્રિજ પાસે આજે મોડી સાંજે વર્ના કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે કારમાં બેઠેલો પરિવાર કારમાંથી નીચે ઉતરી ગયો હતો. જેથી પરિવારના 5 સભ્યોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે મુખ્ય રોડ પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી અને આગની તીવ્રતાને કારણે ઉમેટા બ્રિજને વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે કાર જોતજોતામાં જ બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વાસણા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને થોડા સમયની જેહમત બાદ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવામાં આવી હતી.
આગની ઘટનાને કારણે મુખ્ય રોડ પર ટ્રાફિકજામ થયો હતો, જેના પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડ સાથે મળીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસની મદદથી ટ્રાફિકને ફરીથી સામાન્ય કરવામાં આવ્યો હતો અને બ્રિજને થોડા સમય બાદ વાહન વ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો હતો.
કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં શોર્ટ સર્કિટ, ઈંધણ લીકેજ કે અન્ય કોઈ ટેકનિકલ ખામીની શક્યતાઓ તપાસવામાં આવશે. પ્રાથમિક તપાસમાં આગ ઓવર હીટિંગના કારણે લાગી હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાને કારણે સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઘટના બાદ સ્થાનિક વહીવટ અને ફાયર વિભાગે વાહનચાલકોને વાહનોની નિયમિત તપાસ અને સલામતીનાં પગલાં લેવાની અપીલ કરી છે, જેથી આવી ઘટનાઓને ટાળી શકાય.
વાસણા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સુરેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, મૂળ સુરતનો પરિવાર જુનાગઢ વેકેશનમાં ફરવા ગયો હતો. જ્યાંથી પરત સુરત જઈ રહ્યો હતો. આ સમયે ઉમેટા બ્રિજ પાસે ડીઝલ કારમાં આગ લાગી હતી. આ કોલ મળતા જ અમે ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. કારમાં આગ લાગતા જ પરિવાર કારમાંથી ઉતરી ગયો હતો