વડોદરા હાઈવે પર કૂતરાને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાતા આગ લાગી
- ભોઈ-વડોદરા હાઈવે પર પલાસવાળા ગામ નજીક બન્યો બનાવ
- આગમાં કાર બળીને ખાક, દંપત્તીનો બચાવ
- ફાયરબ્રિગેડે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો
વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ભોઈ-વડોદરા હાઈવે પર પલાસવાળા ગામ પાસે પૂરફાટ ઝડપે આવતી કાર કૂતરાને બચાવવા જતા ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગી હતી. જો કે કારમાંથી દંપત્તી ઉતરી જતા તેનો બચાવ થયો હતો. જોતજોતામાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. દરમિયાન આ બનાવની જાણ થતાં વડોદરા ગાજરાવાડી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી જઈ પાણીનો મારો ચલાવી કારની આગ ઓલવી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરાનું દંપતિ પોતાની કારમાં ડભોઇથી વડોદરા તરફ આવી રહ્યું હતું. દરમિયાન પલાસવાળા ગામ પાસે રસ્તામાં કૂતરું આવી જતાં કારચાલકે કૂતરાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગતાં જ ચાલકે પોતે બહાર નિકળી અને પત્નીને પણ બહાર કાઢી લીધી હતી. જોકે, જીવ બચાવવામાં બંનેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 બોલાવી ઇજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી બાજુ ઝાડ સાથે ભટકાયેલી કાર ગણતરીની મિનિટોમાં ખાક થઇ ગઇ હતી. દરમિયાન આ બનાવની જાણ ડભોઇ પોલીસને થતાં સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કાર ઝાડ સાથે અથડાતા કારમાં આગ લાગવાની બનેલી ઘટનામાં દંપતીને સામાન્ય ઇજાને બાદ કરતાં પતિ-પત્નીનો આબાદ બચાવ થયો હતો. હાલ દંપતીને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ડભોઇ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.