સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી સામે ઝુંબેશ, 10 ડમ્પર-ટ્રક સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત
- વઢવાણ-લખતર રોડ પરથી 8 ડમ્પર સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
- ધ્રાંગધ્રામાં પરમીટ વગરના પથ્થર ભરેલા બે ટ્રક જપ્ત,
- તંત્રની લાલી આંખથી ખનીજ માફિયાઓમાં ફફડાટ
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ખનીજ ચોરીમાં સુરેન્દ્રનગર જિલ્લો મોખરે ગણાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરની સુચના બાદ તંત્રએ ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે. દરમિયાન ખનીજ વહન અંગે વઢવાણ - લખતરમાં ચેકિંગ હાથ ધરાતા દોડધામ મચી હતી. જેમાં 8 ડમ્પર સહિત રૂપિયા 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રામાં મામલતદારે પરમિટ વિના પથ્થર ભરેલા બે ટ્રક જપ્ત કર્યા છે.
ઝાલાવાડમાં રેતી, કપચી, પથ્થર વગેરે ખનીજ ચોરી બેફામ થઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અમુક કેટલાક અધિકારીઓની મીલી ભગતને લીધે ભૂમાફિયા બેરોકટોક ખનીજ ચોરી કરી રહ્યાની બુમરાણો ઊઠી છે. ત્યારે સુરેન્દ્રનગર કલેક્ટરની સૂચનાથી નાયબ કલેક્ટર નિકુંજકુમાર ઘુળા, પટેલભાઈ, પી.એમ. અટારા, મહાદેવભાઇ નાકીયા, ચેતનભાઇ કણઝરીયા, વનરાજસિંહ પરમાર, જયદિપસિંહ પરમાર, દિલીપસિંહ સોલંકી, અનિરૂઘ્ઘસિંહ નકુમ, પ્રતિપાલસિંહ ડોડીયા સહિત સંયુકત ટીમ દ્વારા વઢવાણ-લખતર હાઇવે રોડ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં ઓવરલોડ અને ગેરકાયદે ખનન કરતાં કુલ 8 ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા. અંદાજે કુલ રૂ.3.10 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ ઉપરાંત 2 ડમ્પરન માલ દેદાદરા ગામમાં ખાલી કરવામાં આવેલો હતો, જેની આગળની કાર્યવાહી ચાલુ છે. આ ચેકિંગની જાણ વોટ્સઅપ મેસેજથી ભૂમાફિયાને થતા બચવા માટે દોડધામ મચી હતી.
આ ઉપરાંત ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર વસાડવા ચોકડી નજીક મામલતદારે પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે પથ્થર ખનીજનું વહન કરતા બે ટ્રક પકડી પાડ્યા છે. માલવણ હાઇવે પર વસાડવા ચોકડી નજીક મામલતદારે પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે પથ્થર ખનીજનું વહન કરતા બે ટ્રક પકડી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં સ્પષ્ટ થયું છે કે ખનન માફિયા તમામ નિયમોની અવગણના કરી રહ્યા છે. મામલતદારની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આગામી સમયમાં આવી કાર્યવાહી ચાલુ રહે તે જરૂરી છે.