લોનના બહાને વિદેશી નાગરિકો પાસેથી પડાવતા કોલસેન્ટરનો પર્દાફાશઃ બેની ધરપકડ
અમદાવાદઃ શહેરના એરપોર્ટ નજીક હાંસોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ધમધમતા કોલસેન્ટર ઉપર પોલીસે છાપો મારીને બે આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ અમેરિકન નાગરિકોને નિશાન બનાવીને લોન મંજૂર થયાનું જણાવીને ચેક જમા કરાવવા ૧૦૦થી ૫૦૦ ડોલર પડાવતા હતા. પોલીસે સ્થળ પરથી કમ્યુટર સહીતના સાધનો કબજે કરી વધુ તપાસ શરૃ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એરપોર્ટ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, હાંસોલ રાઘે રેસીડન્સી ફ્લેટમાં કેટલાક લોકો ગુગલ વોઇસ સોફ્ટવેરના માધ્યમથી કોલ સેન્ટર ચલાવી રહ્યાં છે. જેના આધારે પોલીસે ત્યાં દરોડો પાડયો હતો. જ્યાં બે કોમ્પ્યુર, લેપટોપ, મોબાઇલ ફોન, હેડ ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આરોપીઓ ખોટા નામ ધારણ કરી અને ઇ-મેઇલ બનાવ્યા હતા. ત્યારબાદ તેઓ અમેરિકા રહેતા લોકોને કોલ કરી તમારી લોન પાસ થઇ ગઇ છે. જેનો ચેક જમા કરાવવા ૧૦૦થી ૫૦૦ ડોલર ચુકવવા પડશે તેમ કહી ગિફ્ટ વાઉચરના નંબર મેળવી ઠગાઇ આચરતા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને બે આરોપીની ધરપકડ કરીને આરોપીઓ સાથે કોણ કોણ સંડોવાયેલું છે, કેટલા સમયથી આ ગોરખધંધા કરતા હતા અને આરોપીઓને ડેટા કોણ પૂરા પાડતું હતું તે સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.