અમદાવાદમાં વિરાટનગર બ્રિજ નીચેથી લકઝરી કારમાં બિલ્ડરની લાશ મળી, 3ની ધરપકડ
- બિલ્ડર અને પાટીદાર અગ્રણી હિંમતભાઈ રૂડાણી તિક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ,
- હત્યાબાદ તેમની મર્સિડિઝ કારમાં મૃતદેહ મુકીને હત્યારા ફરાર થયા,
- પોલીસે ત્રણ આરોપીને રાજસ્થાનના શિરોહીથી ઝડપી લીધા
અમદાવાદઃ શહેરના વિરાટનગર બ્રિજ નીચેથી પાર્ક કરેલી કારમાં હત્યા કરાયેલી હાલતમાં બિલ્ડર હિંમત રૂદાણીનો મૃતદેહ ગઈ મોડી રાત્રે મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે રાજસ્થાનથી ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. આ હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ બાદ સાચી હકિકત જાણવા મળશે પણ એક બિલ્ડર આ હત્યાકેસમાં સંડાવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે, ગઈ મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજામાં સગીર આરોપીનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીને રાજસ્થાનના શીરોહી પાસેથી પોલીસે પકડી લીધા છે. ત્રણેય આરોપીને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે.
લેઉવા પાટીદાર સમાજના અગ્રણી એવા હિંમતભાઈ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. નરોડા, નિકોલ વિસ્તારમાં તેમની કન્સ્ટ્રકશન સાઈટો ચાલે છે. ઠક્કરબાપાનગર બ્રિજ પાસે પણ તેમણે પાટીદાર સમાજના બાળકો રહી અને ભણી શકે તેના માટે હોસ્ટેલ બનાવી છે. પાટીદાર સમાજના અગ્રણીની હત્યાને પગલે સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કારમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક લોકોને થઈ હતી, તેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કારમાં તપાસ કરતા અજાણી વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ પડેલો હતો. પોલીસની તપાસમાં હિંમતભાઈ રૂડાણી નામના બિલ્ડરનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરી ગાડીમાં મૃતદેહ મૂકી દેવામાં આવ્યો હતો. રાત્રિના સમયે સ્થાનિક લોકોને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. હિંમતભાઈના મૃતદેહ ઉપર ધારદાર હથિયારોના ઘા જેવા નિશાન મળી આવ્યા છે, જેથી કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે. ઓઢવ પોલીસે રાત્રે હિંમતભાઈના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે મોકલી આપ્યો છે. આ સમગ્ર મામલે ઓઢવ પોલીસ દ્વારા ગુનો નોંધી રોડ પરના સીસીટીવી ફૂટેજ તેમજ તેમની કોલ ડિટેઈલ વગેરેનાં આધારે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે રાજસ્થાનના શિરોહીથી ત્રણ આરોપીને ઝડપી લીધા છે. અને ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની પણ પૂછપરછ શરૂ કરી છે. બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા માટે ઝડપાયેલ 3 આરોપીને બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હોવાની વિગતો મળી છે.