વિજાપુર તાલુકામાં ભારે વરસાદને લીધે કાળા તલનો પાક નિષ્ફળ
- વિજાપુર તાલુકામાં 700 વિઘામાં વાવેતર થયુ હતું,
- ખેડૂતોને 2 કરોડથી વધુનું નુકશાનનો અંદાજ,
- નુકશાનીનો સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માગ
મહેસાણાઃ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ખેડૂતોએ ગત ફેબ્રુઆરીના અંતમાં કાળા તલનું વાવેતર કર્યું હતું જેમાં વિજાપુર તાલુકામાં લગભગ 700 વિઘા જમીનમાં કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ ભારે વરસાદને લીધે કાળ તલનો પાક ધોવાઈ ગયો છે. પરિણામે ખેડૂતો પોતાના ખેતરમાંથી એક કિલો પણ તલ ઘરે લઈ જઈ શકે તેવી સ્થિતિ નથી. તલના છોડમાં જીવાત પડી જવાથી હવે ખેડૂતો આ છોડ બાળીને ખરીફ વાવેતર કરવાની યોજના બનાવી રહ્યા છે.
વિજાપુર તાલુકાના ટેચાવા અને આસપાસના ગામોમાં કાળા તલના પાકને વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. ટેચાવા ગામમાં 400 વીઘા, ડેરિયા ગામમાં 150 વીઘા અને રણસીપુર ગામમાં 150 વીઘા મળીને કુલ 700 વીઘામાં કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ ગત 15 ફેબ્રુઆરી આસપાસ તલની વાવણી કરી હતી. પરંતુ 23 મેથી શરૂ થયેલા વહેલા વરસાદના કારણે સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. પરિણામે ખેડૂતો પોતાના ખેતરમાંથી એક કિલો પણ તલ ઘરે લઈ જઈ શકે તેવી સ્થિતિ નથી. તલના છોડમાં જીવાત પડી જવાથી હવે ખેડૂતો આ છોડ બાળીને ચોમાસુ વાવેતર કરવાની યોજના બનાવી રહ્યા છે.
ખેડૂતોના કહેવા મુજબ આ પાકની રાજકોટમાં વેચાણ માટે મોટી માગ હતી. વર્તમાન બજારમાં 20 કિલોના 3500થી 4000 રૂપિયાના ભાવે તલ વેચાય છે. કાળા તલની દક્ષિણ કોરિયા સહિત વિદેશોમાં નિકાસ થાય છે. પરંતુ વરસાદના કારણે ખેડૂતોને અંદાજે 2થી 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય સર્વે કરાવીને નુકસાનનું વળતર આપવાની માંગ કરી છે. આ વર્ષ જ એવું આવ્યું કે વરસાદ આટલો વહેલો આવ્યો. વિસનગર પંથકમાં મોટા ભાગના ખેડૂતો તલની ખેતી સાથે જોડાયા છે. આ વર્ષ તલનું સારામાં સારું ઉત્પાદન થાય એવું હતું. વરસાદ વહેલો આવવાથી ખેડૂતો એક કિલો તલ ઘરે લઈ જઈ શક્યા નથી. ખેડૂતો માટે કપરો સમય આવી ગયો છે. ખેડૂતોએ ખૂબ ખર્ચ કર્યા ઉપજ આવવાની જ હતી, પણ વરસાદ નડી ગયો.