For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નાગરિકોને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળઃ 24 દિવસમાં 18 હત્યાના બનાવો બન્યાઃ કોંગ્રેસ

06:22 PM Nov 18, 2024 IST | revoi editor
નાગરિકોને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળઃ 24 દિવસમાં 18 હત્યાના બનાવો બન્યાઃ કોંગ્રેસ
Advertisement
  • અમદાવાદમાં 10 મહિનામાં હત્યાના 78 બનાવો બન્યા,
  • ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી,
  • કોંગ્રેસનો ભાજપ સરકાર સામે આક્ષેપ

અમદાવાદઃ રાજ્યમાં હત્યા – ખુન - ધાડ સહિતની ઘટનાઓમાં નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે 'આ ગુજરાત મેં બનાવ્યું' નું કેમ્પન કરનારા ભાજપ 'અસલામત - અસુરક્ષિત ગુજરાત ભાજપે બનાવ્યું' તેની જવાબદારી ક્યારે સ્વિકારશે ? તેવો વેધક પ્રશ્ન પુછતાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ધોળે દહાડે થઈ રહેલી હત્યાઓ અત્યંત ચિંતાનો વિષય છે. ચૂંટણી સમયે સલામત - સુરક્ષિત ગુજરાતના બણગા ફૂકતી ભાજપના શાસનમાં એક મહિનાથી ઓછા સમયમાં 18 હત્યા - ખૂનની ઘટનાઓ ચોપડે નોંધાઈ છે. માત્ર ૧૦ મહિના જેટલા ટૂંકા ગાળામાં અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં 78 જેટલા હત્યા - ખૂનની ઘટનાઓ નોંધાઈ છે. બહેન દીકરીઓ પર બળાત્કાર થાય, ડ્રગ્સ-દારૂનો બેફામ વેપાર, વ્યાજખોરોનો આતંક સહિતની ઘટનાઓને રોકવામાં ગૃહવિભાગ નિષ્ફળ નીવડ્યું છે.

Advertisement

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકોને માત્ર ગુમરાહ કરવા અને ચૂંટણી વખતે મોટા સૂત્રોમાં 'આ ગુજરાત મે બનાવ્યું' ની મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકાર 'અસલામત - અસુરક્ષિત ગુજરાત ભાજપે બનાવ્યું' ની જવાબદારી ક્યારે  સ્વીકારશે? રાજ્યમાં   અમદાવાદ,  સુરત, રાજકોટ, ભાવનગર, વલસાડ, બોટાદ, મહેસાણા, અમરેલી સહિતના જિલ્લાઓમાં પોલીસતંત્ર, કાયદાનો જરા પણ ડર ન હોય એમ નાગરિકોની હત્યાની ઘટના થાય એ જ દર્શાવે છે કે ભાજપ સરકારમાં ગુજરાત માત્ર ને માત્ર જાહેરાતોમાં જ સુરક્ષિત છે. બાકી નાગરિકોની સુરક્ષા - સલામતીમાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. તાજેતરમાં અમદાવાદમાં બૂટલેગરો અને અસામાજિક તત્વો દ્વારા યુવકની હત્યા થાય, વલસાડમાં કોલેજીયન યુવતીનું દુષ્કર્મની કરી કરપીણ હત્યા, બોપલમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા વિદ્યાર્થીની હત્યા, પોલીસની હાજરીમાં પૂર્વ કોર્પોરટરના પુત્રની હત્યા સહિતની ઘટનાઓ બાદ પણ ભાજપ સરકારના પેટનું પાણી હલતું નથી. રાજ્યમાં એક દિવસમાં સરેરાશ 6 જેટલી બહેન - દીકરી પર બળાત્કાર થાય શું આ છે ભાજપા સરકારનું સુરક્ષા મોડલ?

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકારે ચૂંટણી જીતવા અને હવે સત્તા બચાવવા બુટલેગરોને લૂંટનો પરવાનો આપ્યો હોય તેમ બેફામ બન્યા છે. અસામાજિક તત્વો - બુટલેગરોને પોલીસ તંત્ર - કાયદાનો ડર રહ્યો નથી. ગુજરાતમાં વધતા જતા ખૂન, હત્યા-ઘાડ, ખંડણી સહિતના ગંભીર ગુન્હાઓ માટે ભાજપ સરકારની ઢીલી નિતિ જવાબદાર છે જેનો ભોગ ગુજરાતની 6 કરોડ જનતા બની રહી છે.  ધોળા દિવસે હત્યાને અંજામ આપનારાઓ ખુલ્લે આમ ખેલ ખેલી રહ્યાં છે. 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો' કહેનાર ગૃહરાજ્ય મંત્રી જાગો હવે દિન દહાડે થઈ રહેલી હત્યાઓ માટે પગલા ભરો. 'બૂટલેગરો - અસામાજિક તત્વો ફાયદામાં છે. ગુજરાત જાણે છે કે કોના માટે કાયદો અને કોના માટે ફાયદો છે. રાજ્યમાં કાયદાના રક્ષકના જીવ જોખમમાં મૂકાય છે અને ફાયદો ઉઠાવી રહ્યાં છે બુટલેગરો. પોલીસ જ સલામત નથી તો તે જનતાને કંઈ રીતે રક્ષણ આપશે ?

Advertisement

Advertisement
Tags :
Advertisement