કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પોતે બુટલેગર સાથે સંબંધ ધરાવતા હોવાનો ભાજપનો આક્ષેપ
- ભાજપે પ્રશ્ન કર્યો, વાંસદામાં રાજકીય ભૂકંપ - શું 'જનતાના સેવક' બુટલેગરોના 'મદદગાર' છે..?
- એક તરફ પોલીસના પટ્ટા ઉતારવાની ચીમકી અને બીજી તરફ બુટલેગર સાથે દોસ્તી કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની બેવડી નીતિ' પર સવાલો
ગાંધીનગર, 4 ડિસેમ્બર, 2025ઃ Congress MLA Anant Patel ગુજરાતમાં દારુબંધીના મુદ્દે છેલ્લા થોડા દિવસથી વિપક્ષ દ્વારા જે નિવેદનો અને દેખાવો થઈ રહ્યા છે તેમાં આજે નવો વળાંક આવ્યો છે. નવસારી જિલ્લાના વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. જોકે, આ વખતે વિવાદ કોઈ આંદોલનનો નહીં, પરંતુ કથિત 'દંભ' અને 'બેવડી નીતિ'નો છે. એક જાહેર સભામાં પોલીસને ખુલ્લેઆમ ધમકી આપતા ધારાસભ્યના તાર હવે એક નામચીન બુટલેગર સાથે જોડાયેલા હોવાના પુરાવા સામે આવ્યા હોવાનું ભાજપે જણાવ્યું છે.
આ સંદર્ભમાં ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે, એક તરફ જાહેરમાં પોલીસને લલકાર: "પટ્ટા ઉતારી લઈશું" એમ કહીને થોડા સમય પહેલા જ ધારાસભ્ય અનંત પટેલે એક જાહેર મંચ પરથી પોલીસ પ્રશાસન વિરુદ્ધ ઉગ્ર ભાષણ આપ્યું હતું. તેમણે પોલીસને ચીમકી આપતા કહ્યું હતું કે, "જો પોલીસ બુટલેગરોને છાવરશે તો અમે પોલીસના પટ્ટા ઉતારી નાખીશું." આ નિવેદન દ્વારા તેમણે પોતાને દારૂબંધીના સમર્થક અને પોલીસની નિષ્ક્રિયતાના વિરોધી તરીકે ચિતર્યા હતા.
પરંતુ પડદા પાછળની હકીકત એવી છે કે, તેઓ બુટલેગર 'અભલા' સાથે ઘરોબો છે? આક્રમક ભાષણની શાહી સુકાય તે પહેલાં જ વાંસદા પોલીસે ઝડપી પાડેલા નામચીન બુટલેગર અભિષેક ઉર્ફે અભલો સાથેના ધારાસભ્યના કથિત સંબંધોનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસ અને કોલ ડિટેઈલ્સમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે તેમ ભાજપ દ્વારા વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. જોકે આ કૉલ ડિટેલમાં કોઈનાં નામો કે ફોન નંબર દેખાતા નથી.
પક્ષના પ્રવક્તા દ્વારા પોલીસ સૂત્રોને ટાંકીને આપવામાં આવેલી વિગતો અનુસાર, બુટલેગર અભિષેક અને ધારાસભ્ય અનંત પટેલ વચ્ચે છેલ્લા એક મહિનામાં જ અંદાજે 29 વખત ફોન પર વાતચીત થઈ છે. સરેરાશ રોજેરોજની આ વાતચીત માત્ર 'જનસેવા' માટે હતી કે અન્ય કોઈ 'સેટિંગ' માટે, તે મોટો સવાલ છે. ભાજપ દ્વારા આ સંદર્ભમાં કોલ ડિટેલનો ફોટો પણ શૅર કરવામાં આવ્યો છે.

આંકડા દર્શાવે છે કે બુટલેગર અને ધારાસભ્ય વચ્ચે માત્ર ઔપચારિક નહીં, પરંતુ ગાઢ અને વ્યક્તિગત સંબંધો હતા. આ સાંઠગાંઠનો વધુ એક પુરાવો ત્યારે સામે આવ્યો જ્યારે બુટલેગર અભિષેકનો ધારાસભ્ય અનંત પટેલની કાર સાથેનો ફોટો વાયરલ થયો. આ તસવીર સ્પષ્ટ કરે છે કે બુટલેગરને ધારાસભ્યના વર્તુળમાં સરળ એન્ટ્રી હતી તેમ ભાજપે એ ફોટો મીડિયાને શૅર કરીને પ્રશ્ન ઉઠાવ્યો છે.