ભૂજ નજીક હાઈવે પર ટ્રેલરની અડફેટે બાઈકસવાર પતિ-પત્ની અને પૂત્રનું મોત
- હાઈવે પર રોંગ સાઈડમાં આવેલા ટ્રેઇલરે બાઈકને ટક્કર મારી
- પુલ પાટિયા ગામનો પરિવાર અકસ્માતમાં ભોગ બન્યો
- ભૂજ પોલીસે ટ્રેલરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ભૂજ નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ભૂજના પાલારા જેલ નજીક હાઈવે પર ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર પતિ-પત્ની અને 4 વર્ષના પૂત્રનું મોત નિપજ્યું હતું, બાઈકસવાર પતિ-પત્ની અને પૂત્ર ભૂજથી પોતાના ગામ પુલ પાટીયા (સરસપર) જઈ રહ્યા હતા. ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવતા ટ્રેઇલરે બાઈકને અડફેટે લેતા પળવારમાં પંખીના માળા જેવો પરિવાર વિખેરાઈ ગયો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભૂજના પાલારા જેલ પાસે નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુલ પાટિયા ગામના સુમરાવાસમા રહેતા 25 વર્ષીય ઇમરાન જુણસ સુમરા તેમની 22 વર્ષીય પત્ની ઝરીના ઇમરાન સુમરા અને 4 વર્ષીય પુત્ર ઈમ્તિયાઝ ઇમરાન સુમરાનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ સોમવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બન્યો હતો. બાઈકસવાર પરિવાર ભુજથી પોતાના ઘરે જઈ રહ્યો હતો એ દરમિયાન પાલારા જેલ નજીક સામેથી રોંગ સાઈડમાં આવેલા ટ્રેઇલર નંબર જીજે 39 ટી 1566 વાળાએ બાઈકને હડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે,ઘટના સ્થળે જ પિતા અને માસુમ પુત્રએ દમ તોડી દીધો હતો.જયારે માતાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનું પણ મોત નીપજ્યું હતું.
આ અકસ્માતને પગલે રોડ પરથી પસાર થતા વાહનોના ટાયર થંભી ગયા હતા અને સ્થળ પર મૃતકના પરિવાર સહીતના લોકો એકઠા થઇ ગયા હતા.પળવારમાં માતા-પિતા સહીત પુત્રના મોતની ઘટનાથી પરિવાર અને સગા સબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.સમગ્ર મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રોના કહેવા મુજબ ભૂજના પાલારા જેલ નજીક હાઈવે પર એક ટ્રેઇલર પાર્ક કરેલું હતું.જેથી પાછળથી આવી રહેલા ટ્રેઇલરના ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડમાં હંકારતા સામેથી બાઈક પર આવી રહેલો પરિવાર મોતના મુખમાં ધકેલાયો હતો. જો ટ્રેઇલર રોડ પર પાર્ક કરેલું ન હોત તો અકસ્માત સર્જાયો ન હોત. નેશનલ હાઈવે હોવા છતાં રસ્તા પર ભારે વાહનો પાર્ક થવાની આ ઘટના હાઈવે ઓથોરીટીની સાથે પેટ્રોલિંગના દાવા કરતી પોલીસની પણ બેદરકારી ઉજાગર કરે છે. હવે જોવાનું એ છે કે, આ ઘટના પછી અકસ્માત અટકાવવા માટે તંત્ર હરકતમાં આવશે કે નહિ. અકસ્માતના બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા.સ્થળ પર એકઠા થયેલા લોકો સાથે વાતચીત દરમિયાન મૃતક પરિવાર દવા લેવા માટે ભુજ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને સાંજે પરત ઘરે જતા સમયે ત્રણેયને કાળ આંબી ગયો હતો.