બિહારઃ 5 વર્ષમાં 1 કરોડ યુવાઓને રોજગાર આપશે નીતીશ સરકાર
પાટણાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળી રહેલી પ્રચંડ જીત બાદ નવી નીતીશ સરકારની પ્રથમ મંત્રિમંડળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી નીતીશ કુમારે આગામી 5 વર્ષના વિકાસ એજન્ડા અને સરકારના મોટા લક્ષ્યોનું બ્લૂપ્રિન્ટ રજૂ કર્યું હતું. બેઠક પછી મુખ્યમંત્રીએ જણાવ્યું કે બિહાર સરકારે આવતા પાંચ વર્ષમાં 1 કરોડ યુવાઓને રોજગાર આપવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. તે માટે ન્યૂ એજ ઇકોનોમી, ટેકનોલોજી હબ અને નવા ઉદ્યોગો ઊભા કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ માટે રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.
નીતીશ કુમારે જણાવ્યું કે 2020-25 દરમિયાન સાત નિશ્ચય-2 યોજના હેઠળ 50 લાખ યુવાઓને રોજગાર મળી હતી. નવી સરકાર રચાયા બાદ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયાને ગતિ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બિહારને ન્યૂ એજ ઇકોનોમીનું કેન્દ્ર બનાવવા રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતોની સલાહના આધારે નવી નીતિઓ તૈયાર થશે. તેમજ બિહારને ગ્લોબલ બેક-એન્ડ હબ અને ગ્લોબલ વર્કપ્લેસ તરીકે વિકસાવવા માટે વિગતવાર આયોજન શરૂ થઈ ગયું છે.
યુવા વસ્તીને બિહારની શક્તિ ગણાવતા મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, રાજ્યને પૂર્વી ભારતનું મોટું ટેક હબ બનાવાશે. તેના માટે ડિફેન્સ કોરિડોર, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પાર્ક, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, મેગા ટેક સિટી અને ફિનટેક સિટીનું નિર્માણ કરાશે. નીતીશ કુમારે દાવો કર્યો કે તેમની સરકારના સમયમાં બિહારમાં ઔદ્યોગિક વિકાસે સારી ગતિ પકડી છે. નવી સમિતિ રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા, નવા રોકાણ આકર્ષવા અને યુવાઓ માટે વધુ રોજગાર અવસર ઉભા કરવા પર ધ્યાન આપશે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં નવી સુગર ફેક્ટરીઓ, નવા કારખાનાં પણ સ્થાપવાનું સરકારનું આયોજન છે.