ગીરના અભ્યારણ્યમાં લટાર મારતા એક સાથે 11 સિંહ જોવા મળ્યા, પ્રવાસીઓ ઝૂમી ઊઠ્યાં
- ગીર જંગલ સફારીના સૂકા કડાયા રૂટ પર લટાર મારતા એકસાથે 11 સિંહ જોવા મળ્યા,
- 11 સિંહનો નજારો જોઈને પ્રવાસીઓએ મોબાઈલમાં ફોટા પાડ્યા,
- પ્રવાસીઓએ એક સાથે 11 સિંહના લટાર મારતા ફોટા વાયરલ કર્યા
જૂનાગઢઃ સાસણના ગીર અભ્યારણ્યમાં વનરાજોને નિહાળવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. અને અભ્યારણ્યમાં એકાદ-બે સિંહના દર્શન થતા હોય છે. ત્યારે તાજેતરમાં પ્રવાસીઓને ગીર જંગલ સફારીના સુકા કડાયા રૂટ પર એક સાથે 11 સિંહનો નજારો જોવા મળ્યો હતો. આ રોમાંચક દ્રશ્ય જોઈને પ્રવાસીઓ ઝૂમી ઊઠ્યા હતા. પ્રવાસીઓએ પોતાના મોબાઈલ ફોનમાં એક સાથે 11 વનરાજોનો લટાર મારતો ફોટો અને વિડિયો લીધો હતો.
ગીર અભ્યારણ્યમાં માત્ર ગુજરાતમાંથી નહીં પણ અન્ય રાજ્યો અને વિદેશથી પણ પ્રવાસીઓ સિંહ જોવા માટે આવે છે. જંગલમાં મુક્તરીતે વિહરતા સિંહનો નજારો જોવા મળે છે. વન વિભાગને સિંહના લોકેશનની ખબર હોવાથી જ્યાં સિંહ હોય ત્યા પ્રવાસીઓને સફારીમાં લઈ જવામાં આવતા હોય છે. સિંહને સામાન્ય રીતે એકલા શિકાર કરતા કે નાના જૂથમાં જોવામાં આવે છે, પરંતુ તાજેતરમાં 11 સિંહોને લટાર મારતા જોવા મળ્યા હતા. ગીર જંગલ સફારીના સૂકા કડાયા રૂટ પર પ્રવાસીઓથી ભરેલી ડ્રાઇવર વકાર રાણીયાની જીપ્સીમાં રહેલા પ્રવાસીઓએ એકસાથે 11 સિંહોનું વિશાળ ગ્રુપ શાંતિથી ટહેલતું નિહાળ્યું હતું. આ દ્રશ્ય એટલું અદ્ભુત હતું કે પ્રવાસીઓએ તાત્કાલિક પોતાના કેમેરામાં આ ક્ષણો કંડારી લીધી હતી.
પ્રવાસીઓએ જણાવ્યું કે, એકસાથે આટલા બધા સિંહોને નજીકથી જોવું એ જીવનનો એક એવો અનુભવ છે જે માત્ર ગીર જ આપી શકે છે. સામાન્ય રીતે 4-5 સિંહોનું જૂથ જોવા મળતું હોય છે, પરંતુ 11 સિંહોનું આ વિરાટ ટોળું જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત અને રોમાંચિત થઈ ગયા હતા. ગુજરાત વન વિભાગ અને સ્થાનિક માલધારી સમુદાયના સંયુક્ત પ્રયાસોને કારણે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 11 સિંહોનું એકસાથે જોવા મળવું એ ગીરમાં સિંહોના સફળ સંવર્ધન અને સંરક્ષણનું સ્પષ્ટ પ્રતીક છે.