For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કડી તાલુકાના ઝુલાસણ ખાતે નવનિર્મિત અનુપમ પ્રાથમિક શાળાનું ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું

01:00 PM Feb 13, 2025 IST | revoi editor
કડી તાલુકાના ઝુલાસણ ખાતે નવનિર્મિત અનુપમ પ્રાથમિક શાળાનું ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું
Advertisement

ગાંધીનગરઃ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત નવનિર્મિત પટેલ કુસુમ ભરતભાઈ ભક્તિદાસ ડૉ. પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે કોઈપણ જરૂરિયાત હોય તો તેનું સુચારું આયોજન કરીને તમામ કામગીરી પૂર્ણ કરવા માં રાજ્ય સરકાર સહયોગ માટે તત્પર છે. વધુમાં તેમણે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસની કેડી કંડારી છે. તેઓએ ગુજરાતના ગામેગામ વીજળી અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.

ગુજરાતના દરેક બાળકને શિક્ષણ મળી રહે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ જેવા આયોજનો થકી અગાઉના સમયમાં શાળા ડ્રોપઆઉટ રેશિયો 35% હતો, જે આજે ઘટીને 1.98% સુધી પહોંચ્યો છે.

Advertisement

આ તકે મહેસાણા જિલ્લાનો વિશેષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં દીકરીઓનો શાળામાં એનરોલમેન્ટ રેશિયો 99.88% છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. શિક્ષણમાં સરકાર તો પૂરતું ધ્યાન આપી જ રહી છે પણ સરકાર સાથે જ્યારે જનભાગીદારી જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાતો હોય છે, જેનું ઝુલાસણ અનુપમ પ્રાથમિક શાળા ઉત્તમ ઉદાહરણ છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વરસાદી પાણીના સંગ્રહ માટે પીએમએ દેશમાં ‘કેચ ધ રેઇન’ ઝુંબેશ શરૂ કરાવી છે. જે અંતર્ગત વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા આ શાળામાં પણ કરવી જોઈએ અને શાળાની સાથે સાથે ગામમાં પણ વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીએ સૂચવ્યું હતું.

ગ્લોબલ વોર્મિંગ સામે જેટલા વધુ વૃક્ષો વાવીશું તેટલો આપણને જ વધુ લાભ થશે તેમ જણાવી દરેકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને, તેનો ઉછેર કરીને વડાપ્રધાનશ્રીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં સહભાગી થવા સૌને મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

આ તકે મુખ્યમંત્રીએ નવનિર્મિત શાળામાં દાન આપનાર દાતાઓને અભિનંદન પાઠવી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ શાળાના વર્ગખંડોની મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અનુપમ પ્રાથમિક શાળામાં 18 ક્લાસરૂમ, 2 કોમ્પ્યુટર રૂમ, 1 સ્માર્ટ ક્લાસ, મેદાન સહિતની સુવિધાઓ છે. મુખ્યમંત્રીએ આ અનુપમ શાળા નવીનીકરણમાં આર્થિક સહાય આપનારા દાતાઓનું સન્માન પણ કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement