ભાવનગરના સિહોર, મહુવા અને પાલિતાણાના રેલવે સ્ટેશનનું ગુરૂવારે લોકાર્પણ કરાશે
- અમૃત ભારત યોજના હેઠળ ત્રણેય રેલવે સ્ટેશન નવિન બનાવાયા
- સિહોર સ્ટેશનનો 50 કરોડ અને પાલિતાણાનો 4.12 કરોડનો ખર્ચે કરાયો
- વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાશે
ભાવનગરઃ જિલ્લાના સિહોર, પાલિતાણા અને મહુવા રેલવે સ્ટેશનનું રિનોવેશન કરીને નવિનીકરણ કરવામાં આવ્યું છે. આમ તો ભાવનગર રેલ ડિવિઝન હેઠળના કુલ 6 રેલવે સ્ટેશનોનું રિનોવેશન કરવામાં આવ્યું છે. એટલે સિહોર,પાલિતાણા અને મહુવા સહિત 6 રેલવે સ્ટેશનનો લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા, 22મી મેથી કરાશે. વડાપ્રધાન વિડિયા માધ્યમથી રેલવે સ્ટેશનોનું લોકાર્પણ કરશે. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા તેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર રેલવે ડિવિઝનના કુલ 17 સ્ટેશનોનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. આ પૈકી હાલમાં કુલ 6 સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં સિહોર જંકશન, પાલિતાણા‚ રાજુલા જંકશન‚ મહુવા‚ લીંબડી અને જામ જોધપુરનો સમાવેશ થાય છે. સિહોર જંકશન પર પ્રતિદિન 1,150થી વધુ પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે. આથી વધતી જતી માંગને પહોંચી વળવા અને આધુનિક માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે, અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ રૂ. 6.50 કરોડના રોકાણ સાથે સ્ટેશન પર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં છાંયડાવાળો પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન પ્રદાન કરે છે. દિવ્યાંગજન મુસાફરો માટે પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.
જ્યારે પાલિતાણા રેલવે સ્ટેશને દરરોજ લગભગ 1,000 મુસાફરોની અવરજવર હોય છે, રૂ. 4.12 કરોડના ખર્ચે પાલિતાણા રેલવે સ્ટેશનનું રિનોવેશન કરવામાં આવ્યું છે. મુખ્ય સુધારાઓમાં પ્લેટફોર્મ રિસરફેસિંગ અને વિસ્તરણનો સમાવેશ થાય છે, જે બધા પ્રવાસીઓ માટે આરામદાયક બોર્ડિંગ છે, દિવ્યાંગજનની સુલભતા ને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલા આધુનિક શૌચાલય છે. પ્રવેશદ્વાર આધુનિક દેખાવ આપે છે. સરળતાથી વાહન અને પગપાળા ગતિવિધિ માટે લેન અને રસ્તાઓ છે. આ ઉપરાંત મહુવા રેલવે સ્ટેશનમાં દૈનિક આશરે 1,000 મુસાફરોની અવર જવર હોય છે. મહુવા રેલવે સ્ટેશનને 8.5 કરોડ રૂપિયાના ખર્ચે વ્યાપક અપગ્રેડ કરવામાં આવ્યું છે, પ્લેટફોર્મ પર એર-કન્ડિશન્ડ વેઇટિંગ હોલ, શૌચાલય બ્લોક્સ દિવ્યાંગજન-સુવિધાઓ સાથે ડિઝાઇન કરાયા છે.