નવસારીના 25 વેપારીઓના 1.30 કરોડના કાચા હીરા લઈ ભાવનગરના દલાલે કરી છેતરપિંડી
- ભાવનગરના દલાલે 1.30 કરોડના કાચાહીરા લઈને હાથ અદ્ધર કરી દીધા,
- 25 વેપારીઓએ જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી,
- પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી
નવસારીઃ હીરા ઉદ્યોગમાં ઘણા લાંબા સમયથી મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યો છે. ત્યારે હીરાના વેપારમાં વિશ્વાસઘાતના બનાવો પણ બની રહ્યા છે. શહેરના શાંતાદેવીમાં કાચા હીરાનો વેપાર કરતા 25થી વધુ વેપારીઓ સાથે છેતરપિંડી થઈ છે. ભાવનગરના હીરાદલાલે કાચા હીરા લઈ હાથ અધ્ધર કરતાં વેપારીઓએ આ અંગે જલાલપોર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ કરતા પોલીસે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગતો એવી છે કે, નવસારીમાં વર્ષોથી કાચા હીરાનો વેપાર કરતા વેપારીઓને ભાવનગરના કાર્તિક મહેશભાઈ પંડ્યા નામના ઈસમનો ભેટો થયો હતો, જેમાં તે છેલ્લા છ મહિનાથી નવસારી આવી વેપારીઓનો વિશ્વાસ કેળવી કાચા હીરા લઈ જતો હતો અને તેનું વેચાણ કરી પૈસા આપતો હતો, પરંતુ જૂન મહિનામાં તેણે 25થી વધુ નવસારીના વેપારીઓ પાસેથી એક કરોડ 30 લાખથી વધુના કાચા હીરા લઈ જઈ ફોન બંધ કરી દીધો હતો, જેથી નવસારીના તમામ વેપારીઓના શ્વાસ અધ્ધર થયા હતા અને કાર્તિકના ઘરે જઈ તપાસ કરતાં તે ત્યાં મળ્યો નહોતો અને તેના પિતાએ કહ્યું હતું કે તે ઘરે નથી. ત્યાર બાદ તેને અસંખ્ય ફોન કરતાં તેનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો, જેથી આ મામલે વેપારીઓ ભેગા થયા હતા અને પોલીસ કેસ કરવાનું મન બનાવ્યું હતું અને આશિષ દિનેશભાઈ મહેતાએ જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.
કાચા હીરાના વેપારીઓના કહેવા મુજબ આરોપી કાર્તિક પંડ્યાને શોધવા માટે જ્યારે નવસારીના વેપારીઓ તેના ભાવનગરના ઘરે જતાં તેને વેપારી આવ્યા હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ તેણે ફરિયાદી આશિષભાઈ મહેતાને ફોન કરીને કહ્યું કે આવું બધું તો ચાલ્યા જ કરે, મજા કરવાની, બહુ ટેન્શન નહીં લેવાનું. આવો ઉડાઉ જવાબ આપતા વેપારીઓએ જલાલપોર પોલીસ મથકે છેતરપિંડી અંગેની પોલીસ ફરિયાદ આપી છે. ઉલ્લેખનીય છે કે હીરાનો વેપાર માત્ર કાચી ચિઠ્ઠી પર ચાલતો હોવાથી ત્રણ મહિના બાદ પોલીસે ફરિયાદ નોંધાવી છે.
જલાલપુર પોલીસ પથકમાં 89,82,286 કિંમતમાં હીરાની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ કેસની તપાસ ડી, ડી લાડુમોર દ્વારા કરવામાં આવી રહી છે. છેતરપિંડી અંગે માહિતી આપતાં વેપારી જયંતીભાઈ ભંડેરી જણાવે છે કે કાર્તિક પંડ્યાને માલ આપેલો, ત્યાર બાદ તેમણે પૈસા ન આપી જવાબ આપ્યો નથી, ફરિયાદ મુજબ અમે કુલ 90 લાખ રૂપિયાનો માલ આપ્યો છે, જે માલ વેચીને તેણે રોકડા કરી લીધા, પરંતુ અમને અમારા બનતા પૈસા પાછા આપ્યા નથી.