ઉગ્રવાદ હોય કે આતંકવાદ દરેકનો જડબાતોડ જવાબ અપાશેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હી ખાતે બોડો સમુદાયના સામાજીક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહમંત્રીએ બોડો નેતા ઉપેન્દ્રનાથ બ્રહ્માની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ગૃહમંત્રીએ સંબોધનમાં જણાવ્યું, કે આજ નો દિવસ બોડો સમુદાય માટે યાદગાર બની રહેશે. તેમણે પહલગામ હુમલા વિષે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તર પૂર્વ હોય, ડાબેરીઓનો ઉગ્રવાદ હોય ,કે પછી કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલા હોય દરેકનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. આ નરેન્દ્ર મોદીની સરકાર છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે, દેશના દરેક ખૂણેથી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવાનો અમારો સંકલ્પ છે.
પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધારે તંગ બન્યાં છે. તેમજ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પોના ખાતમા માટે સરકાર દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ આતંકવાદનું આકા મનાતુ પાકિસ્તાન ભારતની કાર્યવાહીથી ફફડી ઉઠ્યું છે. તેમજ દુનિયાના વિવિધ દેશોમાં પોતાને બચાવવા અને ભારતને કાર્યવાહીથી અટકાવવા માટે મદદની માંગણી કરી રહ્યું છે. બીજી તરફ આતંકવાદને ખતમ કરવા માટે ભારત દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમજ પાકિસ્તાન સામે પણ ભારત દ્વારા આકરા પગલા લેવામાં આવ્યાં છે.