અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 : જ્ઞાન, કળા અને સંસ્કૃતિના મહાકુંભનો ગુરુવારથી પ્રારંભ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે 'અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025' યોજાશે
અમદાવાદ, 11 નવેમ્બર 2025: Ahmedabad International Book Festival 2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત ૨.૦ અંતર્ગત આગામી તારીખ 13 થી 23 નવેમ્બર 2025 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે 'અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'નું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલને આ 11-દિવસીય જ્ઞાનના મહાકુંભમાં જોડાવવા માટે ખાસ આહ્વાન કરવામાં આવ્યું છે. 11 દિવસ સુધી ચાલનારા 'અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025'મા 300થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક મુખ્ય સ્ટેજ તૈયાર છે. આ ઉપરાત પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક છે અને કાર્યક્રમ સ્થળની પાસે આવેલા ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ બુક ફેસ્ટિવલ માત્ર એક પુસ્તક મેળો નથી, પરંતુ ગુજરાતનો સૌથી મોટો ક્લાસરૂમ છે, જ્યાં કોઈ દીવાલો નથી. ધોરણ 1 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ નિ:શુલ્ક નોંધણી કરાવીને આ ફેસ્ટિવલને તેમની વાર્ષિક શૈક્ષણિક યાત્રા બનાવી શકે છે.
- 11 દિવસ, 300થી વધુ ઇવેન્ટ્સ : અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 જ્ઞાનને શહેરના દરેક ખૂણે પહોંચાડશે
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલને આ 11-દિવસીય જ્ઞાનના મહાકુંભમાં જોડાવવા અપીલ
- યુવાનો માટેનું ઈનોવેશન ઝોન — લાઇવ માસ્ટરક્લાસ, કન્ટેન્ટ રાઇટિંગ સ્કોપ અને પ્રકાશકો સાથે ઓન-સ્પોટ ઇન્ટર્નશિપ તકો
- સાંસ્કૃતિક કાર્યક્રમો, કાવ્ય સંગીત, મુશાયરો અને શૌર્ય સંવાદ સાથે અમદાવાદમાં સાંસ્કૃતિક વારસાની ઉજવણી થશે
- મંડલા આર્ટથી મેટલ એમ્બોસિંગ સુધીના વર્કશોપ્સ અને 4–7 ગ્લોબલ એવોર્ડ વિનિંગ ફિલ્મો દરરોજ દર્શાવાશે
આ બુક ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ માટે ઝોન-વાઇઝ તકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઝોન 1 – ચિલ્ડ્રન્સ કોર્નર (NCCL પેવેલિયન), જેમાં સવારના સ્લોટ્સ (સવારે 9 થી 12.30) શાળા જૂથો માટે ખાસ તૈયાર કરાયેલા છે, જેમાં સ્ટોરી ટેલિંગ, પપેટ થિયેટર, મંડલા આર્ટ, બેસ્ટ-આઉટ-ઓફ-વેસ્ટ અને ડાન્સ-ડ્રામા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ઝોન 2 – જ્ઞાન ગંગા, જેમા રોજિંદા લેખન અને ડિઝાઇન સ્ટુડિયો (સવારે 10 થી સાંજે 5) ગઝલ, કવિતા, ડ્રામા, ફિલ્મ-સ્ક્રિપ્ટ, નિબંધ, બાયોગ્રાફી વર્કશોપ્સ, હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ જેમ કે ફેબ્રિક પપેટ, ઝાઈન મેકિંગ, ટેરાકોટા હોર્સ, માતા-ની-પચ્છેડી, ઓઈલ પેઈન્ટિંગ, મેટલ એમ્બોસિંગનો સમાવેશ થાય છે. જ્યારે ઝોન 3 – સ્કૂલ બોર્ડ શતાબ્દી મહોત્સવ પેવેલિયનમાં ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટના સિટી લેવલના ફાઇનલ રાઉન્ડ (રોજ સવારે ૧૦ થી સાંજે ૭:૩૦) યોજાશે.
મુખ્ય આકર્ષણો અને ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટ્સની વાત કરીએ તો, 13 અને 14 નવેમ્બર ક્વિઝ, 15 નવેમ્બર વાર્તાકથન (Storytelling), 16 નવેમ્બર ફેન્સી ડ્રેસ, 17 નવેમ્બર કિડ્સ પેનલ ડિસ્કશન, 18 નવેમ્બર ઇન્ટર-સ્કૂલ કોન્ટેસ્ટ, 19 નવેમ્બર ઇમ્પ્રમ્પ્ટુ સ્પીચ, 20 નવેમ્બર બુક રીડિંગ કોન્ટેસ્ટ તેમજ 21 નવેમ્બર મસ્તી કી પાઠશાલા મુખ્ય આકર્ષણો રહેશે. આ ઉપરાંત વિજેતાઓને ઈનામો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ફેસ્ટિવલમાં નિઃશુલ્ક ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ સાંજે 5.30 થી 7.30 દરમિયાન અંદાજિત 4 થી 7 આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મોનું પ્રદર્શન થશે.
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના દરરોજ સાંજે 5.30 વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમોનો મહાકુંભનો પ્રારંભ થશે. કિર્તીદાન ગઢવીનું લોક ઓર્કેસ્ટ્રા, અંકિત ત્રિવેદી સાથે ગુજરાતી કાવ્ય-સંગીત, સંદીપ ક્રિશ્ચિયન ઓર્કેસ્ટ્રા સાથે હિન્દી ફિલ્મ ગીતો પર કાવ્યાત્મક સંગીત પ્રદર્શન, કવિઓ સાથે ગ્રાન્ડ મુશાયરો, તેમજ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) કેજેએસ ઢીલોન અને આઈપીએસ (નિવૃત્ત) કે વિજયકુમાર સાથે શૌર્ય સંવાદ થશે.
આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને જાણીતા આચાર્ય પ્રશાંત, ગુરચરણ દાસ, નિતિન સેઠી, કુલપ્રીત યાદવ જેવા મહાનુભાવોને મળવાનો અવસર મળશે. એઆઈ, ક્રાઇમ જર્નાલિઝમ, ગાંધી-મંડેલા લેગસી પર લાઇવ સેશન યોજાશે. આ ઉપરાંત પ્રકાશકો સાથે સ્થળ પર જ ઇન્ટર્નશિપ અને કન્ટેન્ટ-રાઇટિંગની તકો મળશે.
આ કાર્યકમમાં કેવી રીતે જોડાવવા માટે :
૧. તમારી સમગ્ર શાળા/કોલેજ માટે એક જ Google ફોર્મ ભરો.
૨. તમારી અનુકૂળ તારીખ અને ઝોન પસંદ કરો.
૩. કન્ફર્મ થયેલ બસ-પાર્કિંગ સ્લોટ અને શિક્ષક પાસ રિટર્ન મેઇલ દ્વારા મેળવો.
૪. યુનિફોર્મમાં આવેલા વિદ્યાર્થીઓ અને સાથ આપતા શિક્ષકો (1.15ના રેશિયોમાં) માટે પ્રવેશ નિઃશુલ્ક છે. કૃપા કરીને આઈડી કાર્ડ સાથે રાખો.
રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં 'વાંચે ગુજરાત' અભિયાનની શરૂઆત કરાવી હતી. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ 'અમદાવાદ નેશનલ બુક ફેર' નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને વર્ષ-૨૦૨૪થી ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ નામકરણ કરાયું છે.