બનાસકાંઠાઃ થરાદ નજીક કાર કેનાલમાં ખાબકી, ચાલકનો ચમત્કારિક બચાવ
- રતનપુર નજીક દૂર્ઘટના સર્જાઈ
- સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા
- ભારે જહેમત બાદ વ્યક્તિને બહાર કઢાઈ
ડીસાઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન બનાસકાંઠાના રાણપુર નજીક પુરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમવતા કાર રોડની સાઈડમાં ઉતરીને કેનાલમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો તથા બચાવ ટીમે ભારે જહેમત બાદ કાર ચલાકને બચાવી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાણપુર નજીક પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને કેનાલમાં અચાનક ગાડી ખાબકી હતી. રતનપુર નજીક કેનાલમાં ગાડી ખાબકી હોવાની ઘટના બનતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. જ્યારે કારમાં સવાર વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે કારની છત ઉપર ચડી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી આરંભીને કારમાં સવાર વ્યક્તિને બચાવી લીધી હતી.